ચોળી એ અગત્યનો કઠોળ વર્ગનો શાકભાજીનો પાક છે ચોળાની લીલી કુણી શીંગો તેમજ લીલા દાણાનો શાકભાજી તરીકે જ્યારે સૂકા દાણાનો ઉપયોગ કઠોળ તરીકે કરવામાં આવે છે. ચોળીની લીલી શીંગોમાં પ્રોટીન અને ખનિજ તત્ત્વો સારા એવા પ્રમાણમાં હોય છે. ચોળીના સૂકા દાણામાં ૨૩થી ૨૯ ટકા જેટલું પ્રોટીન હોય છે. આ મુજબ લીલી શીંગો અને લીલા દાણામાં પ્રોટીનની ઉપલબ્ધતા વિશેષ રહે છે. આ ઉપરાંત લીલી શીંગોમાં લોહતત્ત્વ તથા વિટામિન-એ પણ વિશેષ પ્રમાણમાં હોય છે. ચોળીની ખેતી મુખ્યત્વે બે હેતુ માટે કરવામાં આવે છે. સૂકા દાણા માટે અને લીલી શીંગો માટે લીલી શીંગોનો ઉપયોગ શાકભાજી માટે કરવામાં આવે છે આ બંને પ્રકારની ચોળીની ખાસ વિશેષતાઓ હોય છે. સૂકાદાણા માટે ચોળીની શીંગ બરછટ રેસાવાળી હોય છે જ્યારે શાકભાજી માટેની ચોળીની શીંગો સુવાળી ઓછા રેસાવાળી હોય છે. તેમજ સૂકા દાણાનો રંગ સફેદ હોવો જોઈએ. જો દાણાનો રંગ લાલ હોય તો આવી લીલી ચોળીનું શાક બનાવવામાં આવે તો શાકનો રંગ લાલાશ પડતો કાળો થઈ જાય છે.

ગુજરાત રાજ્યમાં લગભગ બધા જ જિલ્લાઓમાં ચોળીનું વાવેતર વધતા ઓછા પ્રમાણમાં કરવામાં આવે છે. આમ છતાં શાકભાજી માટે ચોળીનું વાવેતર મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં વિશેષ કરવામાં આવે છે.

આબોહવા

ચોળીનો પાક ઉષ્ણ અને સમશિતોષ્ણ પ્રકારના હવામાનનો પાક હોવાથી વિવિધ પ્રકારની આબોહવામાં અનુકૂળતાપૂર્વક ઉગાડી શકાય છે. ચોળીનો પાક શિયાળાની ઋતુ સિવાય કોઈપણ ઋતુમાં લઈ શકાય છે. શાકભાજીનાં પાક માટે ચોળીનું વાવેતર ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર માસ દરમિયાન કોઈપણ સમયે કરી શકાય છે. તેમ છતાં આ પાક ઉપર ફૂલ આવવાના સમયે વધુ પડતો વરસાદ તેમજ નીચુ ઉષ્ણતામાન માફક આવતાં નથી. આમ ચોળી ઉનાળુ અને ચોમાસું ઋતુમાં થતો શાકભાજીનો પાક છે.

જમીન અને જમીનની તૈયારી

ચોળી એ બધા જ પ્રકારની જમીનમાં ઉગાડી શકાય તેવો પાક છે પરંતુ સારા નીતારવાળી અને ફળદ્રુપ ગોરાડું જમીન વધુ માફક આવે છે. આ પાકને ક્ષારીય કે ભાસ્મિક જમીન માફક આવતી નથી. જરૂર મુજબ આડી ઊભી ખેડ કરી સમાર મારી જમીન સમતલ કરી તૈયાર કરવામાં આવે છે.

વાવણી સમય

શાકભાજી પાક માટે ચોળીનું વાવેતર કરવું હોય ત્યારે ફેબ્રુઆરી માસથી શરૂ કરીને સપ્ટેમ્બર માસ સુધીમાં કોઈપણ સમયે વાવતેર કરી શકાય છે. બીજના ઉગાવાના સમયે સતત વરસાદ હોય તો બીજનો ઉગાવો ધીમો અને ઓછો થાય છે તેમ છતાં ચોમાસાની ઋતુ માટે જુલાઈ-ઓગષ્ટમાં જ્યારે ઉનાળુ ઋતુમાં જાન્યુઆરી-ફેબ્રુઆરી-માર્ચ માસમાં વાવણી કરી શકાય છે.

વાવણી અંતર તથા બિયારણનો દર

ચોળીનું વાવેતર બે હાર વચ્ચે ૩૦-૪૫ સે.મી. અને હારમાં બે છોડ વચ્ચે ૧૫-૨૦ સે.મી. અંતર રાખી કરવું. એક હેક્ટરના વિસ્તાર માટે ૧૨-૧૫ કિ.ગ્રા. બિયારણની જરૂર પડે છે.

ખાતર

સેન્દ્રિય ખાતર- ૧૦-૧૨ ટન છાણિયું ખાતર

રાસાયણિક ખાતર

પાયાનું ખાતર ૨૦:૪૦:૦૦ ના.ફો.પો. કિ.ગ્રા./હે. પાયાનું ખાતર પાકની વાવણી પહેલા ચાસમાં ઓરીને આપવું. આ પાકને પૂર્તિ ખાતરની જરૂર રહેતી નથી તેમજ વધુ પડતું નાઈટ્રોજન આપવાથી પાકની વાનસ્પતિક વૃદ્ધિ વધુ થાય છે અને છોડ વેલાવાળા અનિયંત્રિત વૃદ્ધિના થઈ જાય છે.

પિયત

ચોમાસુ પાક માટે જો વરસાદ ખેંચાય તો જ પિયતની જરૂરિયાત રહે છે જ્યારે ઉનાળુ ઋતુના પાક માટે ૧૦-૧૨ દિવસના અંતરે પિયતની જરૂરિયાત રહે છે.

આંતરખેડ અને નીંદામણ

પાકને શરૂઆતના ૨૦-૨૫ દિવસ નીંદણ મુક્ત રાખવો ખૂબ જ જરૂરી છે. ચોળીમાં ૨થી ૩ વખત હળવી આંતરખેડ તેમજ એક કે બે વખત હાથ નીંદામણ કરવી ખુબ જરૂરી

લીલી શીંગોની વીણી

પાકની જાત, હવામાનની પરિસ્થિતિ તથા ઋતુ મુજબ વાવેતર બાદ લગભગ ૪૦થી ૫૦ દિવસે ઉતારવા લાયક લીલી શીંગો તૈયાર થાય છે. આ શીંગો જ્યારે કુણી હોય ત્યારે વીણી કરવી. પાક્ટ શીંગોમાં દાણા ઉપસી આવવાથી બજારભાવ ઓછો મળે છે તેમજ શીંગનો બગાડ જલદી થાય છે. લીલી શીંગોની વીણી ૫થી ૭ દિવસના સમયાંતરે કરવી જેની ૮-૧૦ વીણી મળતી હોય છે.

ઉત્પાદન

ઉત્પાદન જાત પ્રમાણે મળે છે. હેક્ટર દીઠ સરેરાશ ૮,૦૦૦થી ૧૦,૦૦૦ કિલો ઉતાર મળે છે.

રોજના અપડેટ માટે અને ખેતી ને લગતી અવનવી માહિતી માટે અમારા ફેસબુક પેજ ખેડૂત પૂત્ર – Khedut Putra ને લાઈક અને શેર કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here