ચીકુ એ ઉષ્ણ કટિબંધનો અગત્યનો ફળ પાક છે.

ભારતમાં તે કેરી, કેળા, લીંબુ, સફરજન અને જમરૂખ પછી છઠ્ઠા ક્રમનું સ્થાન ધરાવે છે. ભારતમાં ચીકુની ખેતીની શરૂઆત ર૦ મી સદીની શરૂઆતમાં થવા છતાં આપણા દેશના દક્ષિાણ ભાગની આબોહવા તેને એટલી બધી અનુકુળ આવી છે કે લોકો ભારતને જ તેનું મુળ વતન માને છે. પરંતુ હકીકતમાં ચીકુનુ મૂળ વતન મધ્ય અમેરિકામાં આવેલ મેકિસકો છે. ભારતમાં તેની ખેતી ખાવાના ફળ માટે થાય છે. જયારે દક્ષિાણ અમેરિકામાં ચ્યુઈંગ ગમ બનાવવાના પાયાના પદાર્થ તરીકે ચીકલ (ગુટ્ટા પર્ચા) મેળવવા માટે થાય છે.

હવામાન અને જમીન

ચીકુ ઉષ્ણકટિબંધનો પાક છે. દરિયાકિનારાનું ગરમ અને ભેજવાળું હવામાન ખૂબજ માફક આવે છે. દરિયાની સપાટીથી ૧ર૦૦ મીટરની ઊંચાઈએ ચીકુનું વાવેતર થઈ શકે છે. ૧૮ થી ૩પ સે. ગ્રે. ઉષ્ણતામાન ખૂબજ અનુકૂળ રહે છે. ૪૦ સે.ગ્રે. તાપમાને ચીકુના ફૂલ તથા નાના ફળ ખરી પડે છે. ૧૦ સે. ગ્રે. થી નીચા તાપમાને ચીકુના ઝાડનો વિકાસ અટકે છે તેમજ ફળો નાના રહે છે અને મોડા પરિપકવ થાય છે. સારા વહેંચાયેલા ૧પ૦૦ થી ર૦૦૦ મિ. મી. વરસાદવાળા વિસ્તારમાં ચીકુનો પાક સારો થાય છે. ચીકુને સારા નિતારવાળી, ઉંડી, ગોરાડુ, બેસર કે મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ છે. નદી કે દરિયાકાંઠાની ઉંડી કાંપાળ જમીન ચીકુના પાક માટે ઉત્તમ ગણાય.

ચીકુની ખેતી

જાતોની માહિતી

દુનિયામાં ચીકુની ૧પ૦ થી વધુ જાતો નોંધાયેલ છે. ભારત દેશમાં પ૦ થી વધુ જાતોનું વાવેતર છે. તે પૈકી ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવી ખાતે ર૩ જેટલી જાતો એકત્ર કરવામાં આવેલ છે. મોટા ભાગની ચીકુની જાતો પસંદગીથી વિકસાવવામાં આવેલ છે. જાતોના નામો પણ ઝાડનો આકાર, પાનનો રંગ, ફળ બેસવાની તરેહ, ફળનો આકાર અને પસંદગીના સ્થળ ઉપરથી આપવામાં આવેલ છે.

આપણા ગુજરાત રાજયમાં મુખ્યત્વે કાલીપત્તી જાતનું વાવેતર જોવા મળે છે. તેમ છતાં વલસાડ અને નવસારી જીલ્લામાં ચીકુની મુરબ્બા, ક્રિકેટબોલ, ભૂરીપત્તી, પીળીપત્તી જેવી જાતોનું છુટુછવાયું વાવેતર જોવા મળે છે.

ચીકુની જાતો ઉપરના બીજા અખતરામાં કાલીપત્તી, ક્રિકેટબોલ, કોઈમ્બતુર–૩, પીકેએમ–૩, પીકેએમ–પ, ડીએચએસ–૧ અને ડીએચએસ–ર નો સમાવેશ કરવામાં આવેલ છે.

નવસારી જીલ્લામાં ચીકુ

વાવણીનો સમય

ચીકુની રોપણી ૧૦ × ૧૦ મીટરના અંતરે કરવાની ભલામણ છે. પરંતુ ગણદેવી કેન્દ્ર ખાતે ચીકુની કાલીપત્તી જાત ઉપર લેવામાં આવેલ અંતરના અખતરાના પરિણામો દર્શાવે છે કે શરૂઆતના ૧૩ વર્ષ સુધી એકમ વિસ્તારમાંથી વધુ ઉત્પાદન મેળવવા માટે ઝાડની રોપણી પ × પ મીટરના અંતરે કરવાથી વધુ ઉત્પાદન મળે છે. ૧૩ વર્ષ બાદ પ × પ મીટરના અંતરે વાવેલ ઝાડોમાં ડાળીઓ એકબીજાને અડી જતાં ઝાડ દીઠ ઉત્પાદન ઘટતું જોવા મળેલ. આ ઝાડો ઉપર છાંટણી અને વૃધ્ધિ નિયંત્રક (કલ્ટાર) ના ઉપયોગની કોઈ સાર્થક અસર જોવા મળેલ નથી.

ચીકુની રોપણી કરવા માટે ઉનાળામાં ભલામણ કરેલ અંતરે ૧×૧×૧ મીટરના ખાડા કરવા. ખાડાએાને ૧પ દિવસ તપવા દઈ ખાડા દીઠ ર૦-રપ કિ.ગ્રા. છાણિયું ખાતર માટી સાથે મિશ્ર કરી ખાડા પૂરી દેવા અને વચ્ચોવચ નિશાની કરી રાખવી. ચોમાસામાં સારો વરસાદ થયા બાદ પસંદ કરેલી કલમો નિશાની કરેલ જગ્યાએ રોપવી.

ચીકુની રોપણી

ખાતર કઈ રીતે આપવું

પ્રથમ વર્ષે વાવેતર કરેલ ચીકુના ઝાડ દીઠ પ કિ.ગ્રા. છાણિયું ખાતર જૂન માસમાં ખામણું બનાવી આપવું. પુર્તી ખાતર તરીકે ૧૦૦ ગ્રામ નાઈટ્રોજન, પ૦ ગ્રામ ફોસ્ફરસ અને પ૦ ગ્રામ પોટાશ બે સરખા હપ્તામાં જૂન અને ઓકટોબર માસમાં આપવું. ત્યારબાદ દર વર્ષે ઉપરોકત જથ્થો ઉમેરીને નવ વર્ષો સુધી આપવો.

દસ વર્ષે અને તેથી વધુ ઉંમરના ઝાડ દીઠ પ૦ કિ.ગ્રા છાણિયું ખાતર જૂન માસમાં ખામણું બનાવી આપવું. આ ઉપરાંત ઝાડ દીઠ ૧૦૦૦ ગ્રામ નાઈટ્રોજન, પ૦૦ ગ્રામ ફોસ્ફરસ અને પ૦૦ ગ્રામ પોટાશ બે સરખા હપ્તામાં જૂન અને ઓકટોબર માસમાં ઝાડની ફરતે ર મીટરની ત્રિજયામાં ૩૦ સે. મી. પહોળી અને ૩૦ સે. મી. ઉંડી નીક ખોદી તેમાં ખાતર આપી ઢાંકી દેવું અને તૂર્તજ પિયત આપવું. ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવી ખાતે હાલ ચાલી રહેલ અભ્યાસ મુજબ ઉપરોકત રાસાયણિક ખાતરના નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશના જથ્થાને રપ-૧૦૦-રપ, પ૦-૦-પ૦, અને રપ-૦-રપ ટકા પ્રમાણે અનુક્રમે જુન, ઓગસ્ટ અને ઓકટોબર માસમાં આપવાથી સારા પરિણામો મળેલ છે.

બિનપિયત વિસ્તારમાં ઝાડ દીઠ ૧પ૦૦ ગ્રામ નાઈટ્રોજન (૩ કિ.ગ્રા. યુરિયા) વરસાદ શરૂ થાય કે તૂર્તજ આપવો. ફોસ્ફરસ અને પોટાશ યુકત ખાતરો જમીનના પૃથકકરણના આધારે જરૂરિયાત મુજબ આપવા.

પિયત

ચોમાસુ ૠતુ પૂરી થયે ઘાસ તથા વેલાઓ કાપી સફાઈ કરી ટે્રકટરથી ર થી ૩ ખેડ કરવી. પુખ્ત વયના ઝાડમાં રોગિષ્ઠ, પાકટ અને જમીન સાથે અડી ગયેલ ડાળીઓની છાંટણી કરવી તેમજ વાંદા જેવી પરોપજીવી વનસ્પતિની વૃધ્ધિ ડાળીઓ ઉપર જોવા મળે તો તે કાપી નાંખવી.

ફળના જવતર માટે વૃધ્ધિ નિયંત્રકો જેવા કે એન. એ. એ. પ૦ પી.પી.એમ. (૧ લીટર પાણીમાં પ૦ મિ.ગ્રા. પાઉડર) નું પ્રવાહી ફૂલ આવવાના સમયે ૧પ દિવસના અંતરે ત્રણ વખત છાંટવાથી ૩૦ ટકા જેટલું ફળનું જવતર વધુ જોવા મળે છે. પ × પ મીટરના અંતરે રોપણી કરેલ ઝાડની ડાળી એકબીજાને અડી જાય ત્યારબાદ બંને દિશામાં એકાંતરે લાઈનમાં આવતા ઝાડોની જરૂરિયાત મુજબ છાંટણી કરતા રહી છેવટે ૧૦ × ૧૦ મીટરના અંતરે ઝાડો રાખવા.

આંતરપાક

૧૦ × ૧૦ મીટરના અંતરે રોપણી કરેલ ચીકુના ખેતરમાં ૧૦ વર્ષ સુધી અને પ × પ મીટરે રોપણી કરેલ ખેતરમાં પ વર્ષ સુધી શાકભાજીના પાકો જેવા કે રીંગણ, મરચી, ટામેટી, સુરણ, રતાળુ, શકકરિયા, આદુ વિગેરે તથા ફળપાકો જેવાકે કેળ અને પપૈયા આંતરપાકો તરીકે લઈ વધારાની પૂરક આવક મેળવી શકાય છે.

ઉત્પાદન

ચીકુની કલમોની રોપણી પછી શરૂઆતમાં બે વર્ષે સુધી આવતા ફળો તોડી નાંખવા હિતાવહ છે. ધીરેધીરે ચોથા વર્ષે પછી ઉત્પાદન મળતું થાય છે. સામાન્ય રીતે પુખ્ત વય (૧ર થી ૧પ વર્ષે) ના ઝાડ પ્રતિવર્ષ ૧ર૦ થી ૧પ૦ કિ. ગ્રા. જેટલું ફળનું ઉત્પાદન આપે છે.

મુલ્યવૃધ્ધિ

દક્ષિણ ગુજરાતમાં ચીકુ ફળોની વેચાણ વ્યવસ્થા સહકારી મંડળીઓ તથા સ્થાનિક વેપારીઓ ધ્વારા થાય છે. ફળોને ઉતાર્યા પછી મુખ્યત્વે ત્રણ ગ્રેડમાં વર્ગીકૃત કરવામાં આવે છે. ત્યારબાદ કાગળના બોક્ષામાં ૧૦ કિલોગ્રામ ફળ ભરવામાં આવે છે. ફળોને ઉતાર્યા બાદ ૧પ૦ પી.પી.એમ. જીબ્રેલીક એસિડના દ્રાવણમાં ૮ થી ૧૦ મિનિટ બોળ્યા બાદ કાગળના બોક્ષામાં ભરવાથી તેની ટકાઉશકિત વધે છે. નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી ખાતે થયેલ અભ્યાસ મુજબ ચીકુને ઉતાર્યા બાદ ૧ % ચુનાના દ્રાવણમાં પ મિનિટ સુધી ડૂબાડી સુકાયા બાદ પાણીમાં ધોવાથી ફળોના દેખાવમાં સુધારો થાય છે અને ટકાઉશકિત વધે છે. બીજા એક અભ્યાસ મુજબ ફળોને ઉતાયર્ા બાદ ૧૦° સે. ગ્રે. તાપમાને ૮ કલાક સુધી પ્રિકુલીંગની માવજત આપીને પ૦ માઈક્રોનની ૧.ર ટકા કાણાવાળી બેગમાં ભરી સીએફબી બોકસમાં મૂકી ૧ર° સે. ગ્રે. તાપમાને કોલ્ડ સ્ટોરેજમાં રાખવાથી ફળોની ગુણવતાને અસર થયા વગર ૧પ દિવસ સુધી સંગ્રહ કરી શકાય છે.

મૂળાની ખેતી કેવી રીતે કરવી જોઈએ?

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here