શકકરિયાં એ કોન્વોલવુલેસી કૂળનું શાકભાજી છે. જેનું મુળ વતન દક્ષિણ અમેરિકા છે. શકકરીયાંનો કંદ એ મૂળનું સંગા્રહક રૂપાંતર છે. તેનો ઉપયોગ મુખ્યત્વે ખોરાક તરીકે અને સ્ટાર્ચ તથા આલ્કોહોલ બનાવવામાં થાય છે. કંદમાં સ્ટાર્ચ (ર૭ થી ૩૦ %), શર્કરા તથા વિટામીન એ, બી અને સી સારા પ્રમાણમાં રહેલા છે.

આબોહવા

પાકને ચાર થી પાંચ માસના લાંબા વૃધ્ધિકાળ દરમ્યાન સામાન્ય ગરમ હવામાન જરૂરી છે. પાકની વૃધ્ધિમાં અને કંદના વધુ ઉત્પાદન માટે ર૧૦ સેલ્સીયસ થી ર૭ ૦ સે. વચ્ચેનું ઉષ્ણતામાન વધુ માફક આવે છે. વધુ વરસાદ અને લાંબા પ્રકાશ અવધિના દિવસોમાં વેલાની વૃધ્ધિમાં વધારો થાય છે અને કંદનું ઉત્પાદન ઘટે છે. ટુંકી પ્રકાશ અવધિના દિવસો ઉત્પાદન માટે અનુકુળ છે. સારો વહેંચાયેલો વરસાદ અને તડકાવાળું હવામાન શકકરિયાંની ખેતી માટે જરૂરી છે. શકકરિયાંનો પાક શુષ્ક હવામાન સહન કરી શકે છે. ઉપરાંત તે પાણીની અછતનો પ્રતિકાર પણ કરી શકે છે પરંતુ હિમથી પાકને નુકસાન પહોંચે છે. પાણીનો ભરાવો પણ પાકને નુકસાન પહોંચાડે છે.

જમીન અને તેની તૈયારી

શકકરિયાંના મૂળ જમીનમાં ૧ર૦ થી ૧૮૦ સેમી. જેટલા ઉંડા પ્રસરી શકે છે. શકકરિયાંના પાકને ગોરાડુ પ્રકારની જમીન વધુ માફક આવે છે. તેમ છતાં સારા નિતારવાળી મધ્યમ કાળી જમીનમાં પણ તેનું વાવેતર થાય છે. ભારે કાળી જમીનમાં કંદની વૃધ્ધિ અવરોધાય છે.ઉપરાંત આવી જમીનમાં શકકરિયાં જમીનમાંથી ખોદતી વખતે મજુરી ખર્ચ પણ વધુ આવે છે. રેતાળ જમીનમાં શકકરિયાંના કંદ પાતળા અને લાંબા થાય છે. જયારે વધુ પડતી ફળદ્રુપ જમીનમાં શકકરિયાંની વાનસ્પતિક વૃધ્ધિ વધુ થાય છે અને કંદની વૃધ્ધિ ઓછી થાય છે.

સુધારેલ જાતો
  • કલેકશન – ૭ ૧ : આ જાતના શકકરિયાંના કંદ લાલ રંગની છાલવાળા હોય છે. કંદનો માવો સફેદ રંગનો હોય છે.સરેરાશ કંદનું ઉત્પાદન ર૮ટન /હે. મળે છે.
  • ક્રોસ – ૪ : આ જાતના કંદ સફેદ રંગની છાલવાળા હોય છે. કંદનો માવો માખણ જેવો સફેદ રંગનો હોય છે. સરેરાશ કંદનું ઉત્પાદન ૩ર ટન /હે. મળે છે.
  • પુસા સફેદ : આ જાતના શકકરિયાંના કંદ સફેદ છાલવાળા હોય છે. કાચા કંદનો માવો સફેદ રંગનો હોય છે, જે બાફયા પછી માખણ જેવો સફેદ રંગનો થાય છે. સ્વાદમાં મીઠા હોય છે.
  • પુસા સુનેહરી : આ જાતના કંદ લાંબા અને બદામી રંગની છાલવાળા હોય છે. કાચા કંદના માવાનો રંગ પીળો હોય છે. અને બાફયા પછી આકર્ષક પીળાશ પડતા નારંગી રંગનો થાય છે. કંદ સ્વાદમાં મીઠાં હોય છે. આ જાતના કંદમાં કેરોટીનનું પ્રમાણ વધુ હોય છે.
  • પુસા લાલ : કંદ મધ્યમ કદના વચ્ચેથી જાડા હોય છે. છાલનો રંગ લાલ અને માવાનો રંગ સફેદ હોય છે.
રોપણી માટે વેલા તૈયાર કરવા

શકકરિયાંની રોપણી માટે કુલ બે ધરૂવાડિયાની જરૂરિયાત રહેવા પામે છે (ત્રણ માસનો સમયગાળો). સામાન્ય રીતે શકકરિયાંની રોપણી અગાઉની મોસમમાં વાવેલ શકકરિયાંના પાકની કાપણી વખતે કંદ ખોદી લીધા પછી મળતા વેલાના ટૂકડાથી કરવામાં આવે છે. પરંતુ શકકરિયાંનું સારી ગુણવતાવાળુ વધુ ઉત્પાદન મેળવવા રોપણી અગાઉ પસંદગીના વેલા ધરૂવાડિયામાં તૈયાર કરવા જોઈએ, જે માટે શકકરિયાંની કાપણી વખતે જે તે જાતના ગુણધર્મો ધરાવતા મધ્યમ કદનાં તંદુરસ્ત, રોગ જીવાતથી મુકત કંદ પસંદ કરી પ્રથમ ધરૂવાડિયામાં રોપવા.

એક હેકટરના વાવેતર માટે ૧૦૦ ચો.મી. વિસ્તારમાં (ર૦૦ ગ્રામ વજનનાં કુલ ૧૦૦ કિલો કંદની જરૂરિયાત) પ્રથમ ધરૂવાડિયુ ં બનાવવું જરૂરી છે. તૈયાર કરેલ ધરૂવાડિયામાં ૬૦ સે.મી. × ર૦ સે.મી. ના અંતરે ૮ થી ૧૦ સે.મી. ઉંડાઈએ કંદના ટૂકડા રોપવા. રોપણી પછી જરૂરી પિયત, નીંદણ અને રોગ જીવાતના નિયંત્રણના પગલા લેવા. આમ રોપેલ કંદમાંથી ૪૦ થી ૪પ દિવસ પછી તૈયાર થયેલ વેલા કાપી, તેમાંથી ર૦ થી ૩૦ સે.મી. લંબાઈના ટૂકડા કરી અલગથી તૈયાર કરેલ બીજા ધરૂવાડિયામાં ૬૦×ર૦ સે.મી.ના અંતરે રોપવા. બીજા ધરૂવાડિયા માટે એક હેકટરની રોપણી માટે પ૦૦ ચો.મી. વિસ્તારમાં આ મુજબના ટૂકડા રોપવા. ૪પ દિવસ પછી આ બીજી વારના ધરૂવાડિયામાં તૈયાર થયેલ નવા વેલા શકકરિયાંની રોપણી માટે ઉપયોગમાં લઈ શકાય છે.રોપણી માટે વેલાના ટોચના તથા મધ્ય ભાગમાંથી તૈયાર કરેલ ર૦ થી ૩૦ સે.મી. લંબાઈના ટુકડા સારા ગણાય છે. શકય હોય ત્યાં સુધી વેલાના નીચેના ભાગનાં ટુકડાનો રોપણી માટે ઉપયોગ ટાળવો.

વેલાની જરૂરિયાત

શકકરિયાંના એક હેકટરના વાવેતર માટે ૧.પ થી ર ટન જેટલા વેલાની જરૂરીયાત પડે છે અથવા ૮૩,૩૩૩ વેલાના ટૂકડાની જરૂરિયાત પડે છે.

વેલાની માવજતઃ૧૦ લિટર પાણીમાં ૧૦ મિ.લિ. ડાયમિથોએટના દ્રાવણમાં ૧૦ થી ૧પ મિનિટ વેલાના ટૂકડાને બોળી પછી રોપણીના ઉપયોગમાં લેવા હિતાવહ છે.

રોપણી

શકકરિયાની રોપણી હલકી તેમજ સારા નિતારવાળી જમીનમાં સપાટ કયારામાં કરવામાં આવે છે. જયારે ભારે જમીનમાં ૪પ થી ૬૦ સે.મી.ના અંતરે તૈયાર કરેલ નીકપાળા ઉપર અથવા ૬૦ સે.મી. પહોળા ગાદી કયારાની બંને બાજુઓ ઉપર ર૦ થી રપ સે.મી.ના અંતરે વેલાનાં ટૂકડાંઓ રોપી કરવામાં આવે છે.

રોપણી માટે રપ થી ૩૦ સે.મી. ના લંબાઈના ટૂકડા તૈયાર કરવા. દરેક ટૂકડામાં ઓછામાં ઓછી ૪ થી પ ગાંઠો હોવી જોઈએ.ટૂકડાની વચ્ચેની બે ગાંઠો જમીનમાં પ થી ૬ સે.મી. ઉંડી રહે અને બંને છેડા તરફથી એક –એક ગાંઠ જમીનની બહાર રહે તે રીતે રોપણી કરવામાં આવે છે. કેટલીક વાર ટૂકડાની ઉભી અથવા આડી રોપણી પણ કરવામાં આવે છે.

શિયાળુ વાવેતર ઓકટોબર– નવેમ્બર માસમાં જયારે ચોમાસુ વાવેતર જૂન–જૂલાઈ માસમાં કરવામાં આવે છે.

પિયત

રોપણી પછી તુરત જ પાણી આપવું. શિયાળુ પાકમાં ૧ર થી ૧પ દિવસના અંતરે પાણી આપવું. ચોમાસુ પાકમાં વરસાદ ખેંચાય અને જરૂરિયાત જણાય તો જ પિયત આપવું. રોપણી પછીના છઠ્ઠા અઠવાડિયા દરમ્યાન પાકને પાણી આપવું અતિ આવશ્યક છે. આમ, શકકરિયાંના પાકમાં જમીનની પ્રત, ૠતુ, પાકની અવસ્થા વિગેરે મુદ્દા ધ્યાનમાં લઈ સમયસર પિયત આપવું જોઈએ.

આંતરખેડ

રોપણી પછીના ત્રીજા અઠવાડિયાથી વેલાની ઝડપી વૃધ્ધિ થાય છે. એટલે પાકની શરૂઆતની અવસ્થામાં ર થી ૩ વાર ગોડ અથવા ૩૦ અને ૬૦ દિવસે આંતરખેડ કરવાથી નીંદણનું નિયંત્રણ થાય છે અને થડ પાસે માટી ચઢાવવાથી કંદ સારા બેસે છે.

વેલાની ફેરવણી

શકકરિયાંની ખેતીમાં આ એક ખૂબ જ અગત્યનું ખેતીકાર્ય છે. જેમાં શકકરિયાંની શરૂઆતની અવસ્થામાં રોપણી પછી ૩૦ દિવસે વેલાની ફેરવણી કરવાથી ઉત્પાદન સારું મળે છે. ત્યારબાદ ૧પ દિવસના અંતરે જરૂરિયાત મુજબ વેલાની ફેરવણી કરવી. વેલાની વૃધ્ધિ ર.પ થી ૩ મીટર જેટલી થયા પછી વેલાની ફેરવણી કરવી હિતાવહ નથી.

ઉત્પાદન

શકકરિયાંના ઉત્પાદનમાં શકકરિયાંની જાત, વાવણીની ૠતુ, જમીન વગેરે પરિબળો મહત્વનો ભાગ ભજવે છે. સાનુકૂળ પરિસ્થિતિમાં હેકટરે કંદનું સરેરાશ ઉત્પાદન ૩૦ ટન જેટલું મળે છે.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here