ખેડૂતો ઘણા વર્ષોથી એકની એક જમીનમાં મગફળીનું વાવેતર કરે છે અને ભલામણ પ્રમાણે ઊંડી ખેડ તેમજ પાક ફેરબદલી કરતાં ન હોવાથી, જમીનમાં ઉગસુક, થડનો કોહવારો, અલારોટ જેવા રોગની ફૂગનું પ્રમાણ ખુબ જ વધી ગયુ છે તેથી છોડ સુકાઈ જવાથી વાવેતર કરેલ વિસ્તારમાં છોડની સંખ્યા જળવાતી નથી. પરિણામે ઉત્પાદનમાં ખુબ જ મોટો ઘટાડો થાય છે.

મગફળીનું વાવેતર કેવી રીતે કરવું જાણવા અહીં ક્લિક કરો

રોગની ઓળખ કઈ રીતે કરશો

થડના સડાની શરૂઆત મગફળી ઉગ્યા બાદ સામાન્ય રીતે ૩૦ થી ૩૫ દિવસે થતી હોય છે. મગફળીના પ્રકાંડને જમીન લગોલગ સપાટી પાસેથી આ રોગ લાગે છે ત્યારે સૌ પ્રથમ નીચેની ડાળીઓ પીળી પડવા લાગે છે. જમીનની સપાટી પાસે સફેદ ફૂગના તાંતણા જોવા મળે છે અને રોગ આગળ વધે તેમ આ ફૂગ રાખોડી રંગની બને છે અને ફૂગના તાંતણામાંથી રાઈના દાણા જેવી પેશીઓ બને છે.

આ દાણાદાર પેશીઓને સ્કલેરોશીયો કહેવાય છે. આવી દાણાદરા ફૂગની પેશીઓ જમીનમાં વર્ષો સુધી પડી રહે છે અને પાકને રોગનો ચેપ ફેલાવવામાં કારણરૂપ બને છે. આ રોગ લાગવાથી મગફળીના છોડ વામણો રહે છે. મગફળીના પાન ઉપર પણ આ ફૂગ રોગના ચિન્હો પેદા કરે છે. પાન ઉપર ભૂરા બદામી રંગના ટપકા જોવા મળે છે અને આવા ટપકા પાનની સપાટી ઉપર પ્રસરતા મોટ બને છે. રોગની તીવ્ર અવસ્થાએ પાન, ડાળી અને ડોડવાને અસર થાય છે અને સુકાવા લાગે છે. ડોડવાની ફોતરી ઉપર સડો લાગે છે અને અંદરના દાણા પણ નબળા બને છે.

આવા રોગીષ્ટ ડોડવાઓ ઉપર રોગની દાણાદાર પેશીઓ અને સફેદ ફૂગ જોવા મળે છે. રોગની અસરના કારણે મગફળીના દાણા ભૂરા/બ્લ્યુ રંગના બને છે જે રોગની ફૂગ દ્વારા પેદા થતા ઓકઝેલિક એસિડના કારણે હોય છે.

ઓ રોગ જમીનજન્ય છે. જમીન મારફત ફેલાય છે અને રોગના ફેલાવાનું મુખ્ય માધ્યમ જમીન છે. જમીનમાં પડી રહેલા રોગના અવશેષો અને રોગના બીજાણું રોગનો ચેપ લગાવવા મુખ્ય કારણરૂપ છે.

રોગની તીવ્રતા અવસ્થાએ મગફળીના મૂળ અને થડને સડો લાગે છે. શીંગોની ફોતરી સડી જતાં અંદર રહેલા દાણાને પણ સડો લાગે છે. દાણા અને શીંગો બગડી જવા પામે છે. મગફળી ઉપાડતી વખતે શીંગ તૂટીને જમીનમાં રહી જાય છે અને મોટું નુકશાન થાય છે. કાપણી પહેલા છોડ પણ સડી જવાના કારણે ચારાના ઉત્પાદનમાં ઘણું નુકશાન થાય છે. શીંગો નબળી અને સડાવાળી થવાથી ગુણવત્તાની દ્રષ્ટિએ મગફળીના બજારભાવ મળતા નથી.

રોગના નિયંત્રણ માટે શું કરવું

  1. જમીનની સ્વચ્છતા જાળવવી તેમજ ચાસની ફેરબદલી કરવી. વાવણી પહેલા જમીનમાં પડી રહેલા આગલા પાકના ડાળા, ડાળખા, પાંદડા, નકામાં ઝાંખરાં વગેરે ભેગા કરી બાળી નાખવાં.
  2. નકામા અને પાકની વચ્ચે ઊભેલા નીંદામણનો નાશ કરવો અને ફૂલ આવતા સુધીમાં ૨ થી ૩ વાર જરૂર પ્રમાણે આંતરખેડ કરવી.
  3. મગફળીની જાત પ્રમાણે જે ભલામણ થઈ હોય તે મુજબ બિયારણનો દર બે હાર વચ્ચેનું અંતર અને બે છોડ વચ્ચેનું અંતર જાળવવું જોઈએ.
  4. આ રોગ નિયંત્રણ પાક ફેરબદલી કરવાથી અસરકારક રીતે થાય છે. જે પાકમાં આ રોગ આવતો ન હોય તેવા પાક જેવા કે જુવાર, મકાઈ, કપાસ, એરંડા વગેરેની ખેતી ર થી ૩ વર્ષ કરવાથી આ રોગ નિયંત્રણમાં આવે છે.
  5. જમીનમાંનો ભેજ ઓછો થતાં મધ્યમ કાળી જમીનમાં તીરાડો પડતી હોય છે. આવા સમયે સગવડ હોય તો તુરત જ પિયત આપી દેવું.
  6. સૌરાષ્ટ્રમાં ખેડૂતભાઈઓ એકના એક ચાસમાં મગફળીનું વરસો વરસ કરે છે અને તેથી ચાસમાં રહેલા રોગના અવશેષો પછીના વર્ષે રોગનો ફેલાવો કરે છે. આ માટે એકના એક ચાસમાં વાવેતર ન કરતાં ચાસની ફેરબદલી દર ૨ થી ૩ વર્ષે કરવામાં આવે તો રોગનું પ્રમાણ ઘટવા પામશે.

આ રોગની વ્યવસ્થા માટે બહુગામી પગલાઓ લેવા આવશ્યક છે.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here