આ માહિતી ખેડૂતો માટે અતિ ઉપયોગી છે. એપ્રીલ માસમાં વિવિધ પાકોમાં સૌથી વધુ જીવાતોનો ઉપદ્રવ રહેતો હોય છે. અહીં ખેડૂતો માટે જીવાત વ્યવસ્થાપનનાં પગલાં આપવામાં આવ્યા છે. આ ઉપાયોનો અમલ કરીને ખેડૂતો સારું વળતર મેળવી શકે છે.

ઉનાળુ ડાંગર

ઉનાળુ ઋતુમાં સૂર્યપ્રકાશના કલાકો વધારે મળવાને કારણે જે તે જાતો ચોમાસુ ઋતુ કરતાં પાકવામાં ૩૦ થી ૩૫ દિવસ વધારે ભોગવે છે. આથી ચોમાસુ શરૂ થઈ જાય તે પહેલા ઉનાળુ ડાંગરની કાપણી-ઝૂડણી પુરી થવી જોઈએ નહીંતર વરસાદને લીધે ડાંગર પલળી અને ઉગી જવાનો ભય રહે છે. વળી વરસાદ થયા પછી કાપણી કરવી મુશ્કેલ છે. અભ્યાસોના આધારે જણાયું છે કે આપણા રાજચમાં ઉનાળુ ઋતુમાં ગુર્જરી, જી.આર.-૧૦૩, જયાં, જી.આર- ૧૧, જી.આર-૭ તેમજ જી.આર-૧૨ જાતો વધુ માફક જણાઈ છે. ગુર્જરી જાતની ઉનાળુ ઋતુ માટે પણ ભલામણ કરવામાં આવેલી છે.

ગાભમારાની ઇયળ થડમાં અંદર ભરાઇ રહી નુકસાન કરતી હોવાથી દાણાદાર દવા વધુ અસરકારક રહે છે. કારટેપ હાઇડ્રોકલોરાઇડ ૪ જી (૫ કિ.ગ્રા.) અથવા કાર્બોફયુરાન 3 જી (૬ કિ.ગ્રા.) પ્રતિ વિઘા પ્રમાણે બે વખત (પ્રથમ માવજત જીવાતનો ઉપદ્રવ શરૂ થાય ત્યારે અથવા ફેરરોપણી પછી 30-3૫ દિવસે અને બીજી માવજત ત્યારબાદ ૧૫-૨૦ દિવસે આપવાથી ગાભમારાની ઇયળ ઉપરાંત થડ ઉપર નુકસાન કરતા ચુસિયાં અને પાન વાળનાર ઇયળનો ઉપદ્રવ કાબુમાં રહે છે.

પાનવાળનારી ઇયળના ઉપદ્રવની શરૂઆત થાય ત્યારે લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫00 ગ્રામ (અર્ક) અથવા બેસીલસ થુરીન્ઝીન્સીસનો પાવડર ૧0 ગ્રામ ૧0 લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે છંટકાવ કરવો. જો આ જીવાતનો ઉપદ્રવ વધારે જણાય આવે તો કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ ૫0% વે.પા. ૧0 ગ્રામ અથવા એસીફેટ ૭૫ એસ.પી. ૧૦ ગ્રામ અથવા ડાયક્લોરવોસ ૭૬ ઇસી ૭ મિ.લિ. અથવા ફેનપ્રોપેથ્રીન 30 ઇસી ૧0 મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

ઉનાળુ બાજરી

બાજરીના પાકને રેતાળ ગોરાડું, મધ્યમ કાળી તથા સારા નિતારવાળી સમતલ જમીન અને વધુ સેન્દ્રિય તત્વ ધરાવતી જમીન વધારે માફક આવે છે. આા પાકને ગરમ અને મધ્યમ ભેજવાળી આબોહવા વધુ અનુકૂળ આવે છે. જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૧૦ ટન (રપ ગાડી) સારૂ કોહવાયેલું છાણિયું ખાતર નાખ્યા બાદ ટ્રેકટર/હળ/કરબની ર થી ૩ ઊંડી ખેડ કરી જમીનમાં બરાબર ભેળવી જમીન તૈયાર કરવી. ઉનાળુ ઋતુમાં પિયતથી પાક લેવાનો હોવાથી જમીનને પોચી, ભરભરી અને સમતલ બનાવવી જોઈએ.

ઉનાળુ બાજરીમાં જીવાતનો ઉપદ્રવ નહિવત જોવા મળતો હોય છે. તેમ છતા ઘણી વખત ડૂંડા આવે ત્યારે દૂધીયા દાણા ખાતી લીલી ઇયળનો ઉપદ્રવ થતો હોય છે. આ જીવાતના ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫00 ગ્રામ (અર્ક) અથવા બેસીલસ થુરીન્ઝીન્સીસ નામના જીવાણુનો પાવડર ૧૫ ગ્રામ અથવા ન્યુક્લિયર પોલીહેડ્રોસીસ વાયરસ ૧0 મિ.લિ. ૧0 લિટર પાણીમાં ભેળવી સાંજના સમયે ડૂંડા પર પડે તે રીતે છંટકાવ કરવો અને શક્ય હોય તો પાક ને પિયત આપવું.

આ જીવાતનો વધારે ઉપદ્રવ જણાય ત્યારે ક્વિનાલફોસ ૨૫ ઇસી ૨0 મિ.લિ. અથવા ફેનવાલરેટ ૨0 ઇસી ૧0 મિ.લિ. ૧0 લિટર પાણીમાં મિશ્ર કરીને છંટકાવ કરવો અને લણણી અને છંટકાવ વચ્ચે પુરતો ગાળો રાખવો. ઉનાળુ બાજરીમાં પક્ષીઓથી ખૂબ જ નુકસાન થતુ હોય છે. તેને રોકવા ચળક્તી પટ્ટી બાંધવી.

ઉનાળુ મગફળી

 

આ પાકને રેતાળ, ગોરાડું તેમજ મધ્યમ કાળી જમીન વધુ માફક આવે છે. ભારે કાળી, ચીકણી અને ક્ષારવાળી જમીન માફક આવતી નથી. મગફળીમાં ડોડવાના સારા વિકાસ માટે હળથી ખેડ કરી પાકના જડિયા વીણી બે વખત કરબ અને સમાર ચલાવી જમીન ભરભરી અને સમતલ બનાવો. વધુ ઊંડી ખેડ ની ભલામણ નથી ચાસની જમીન ઉપર પોલીથિન શીટ (7-8 માઇક્રૉન) દ્વારા કવર કરી (મલચિંગ) વાવેતર કરવાથી 20% વધારે ઉત્પાદન મેળવી શકાય છે.

ઉનાળુ મગફળીમાં લીલી ઇયળ તેમજ પાનખાનારી ઇયળનો ઉપદ્રવ જોવા મળે છે. ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ૫% અર્કનો અથવા આ જીવાતનું ન્યુકલિયર પોલીહેડ્રોસીસ વાયરસ ૨૫૦ એલઇ ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ઉપદ્રવ વધુ જણાય ત્યારે કલોરપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. અથવા ડાયકલોરવોસ ૭૬ ઇસી ૭ મિ.લિ. ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો. જરૂર જણાયતો ૧૦ થી ૧ર દિવસ ૫છી ઉપર જણાવેલ કોઈ૫ણ એક દવાનો બીજો છંટકાવ કરવો. જંતુનાશક પ્રવાહી મિશ્રણમાં ૩૦-૪૦ ગ્રામ ગોળ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે ઉમેરવાથી દવાની અસરકારકતા વધે છે.

મોલો, તડતડીયા, થ્રિપ્સ જેવી રસ ચૂસનારી જીવાતના આક્રમણની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ અથવા વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. એક લીટરની ક્ષમતાવાળા ડબ્બાને પીળો રંગ લગાવી તેનાં પર ગ્રીસ લગાવી ખેતરની ફરતે મુકવાથી આ જીવાતનાં ઉપદ્રવની શરૂઆત જાણી શકાય. વધુ ઉપદ્ર્વ વખતે શોષક પ્રકારની જંતુનાશક દવાઓ જેવીકે ફોસ્‍ફામિડોન ૪૦ એસએલ ૧૦ મિ.લિ. અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા મિથાઈલ-ઓ-ડીમેટોન ૨૫ ઇસી ૧૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અને જરૂર જણાય તો ૧૦ થી ૧ર દિવસ બાદ બીજો છંટકાવ કરવો.

રોજના અપડેટ માટે અને ખેતી ને લગતી અવનવી માહિતી માટે અમારા ફેસબુક પેજ ખેડૂત પૂત્ર – Khedut Putra ને લાઈક અને શેર કરો.

આ પોસ્ટ ની કોપી કરતાં પહેલા લેખિતમાં અમારી મંજૂરી લેવી ફરજિયાત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here