હાલ ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા , કેનેડા તથા ચીનમાં પણ રંગીન ઘઉં મળે છે.  જોકે, સિંગાપોરમાં રંગીન ઘઉંની નુડલ્સ સૌથી વધારે લોકપ્રિય છે.

ગુજરાત સહિત ભારતના મોટાભાગના લોકોને તેમની ત્વચાના રંગ પરથી ઘઉંવર્ણા કહેવાય છે. પરંતુ, હવે કદાચ એ ઓળખ બદલવી પડશે. કારણ કે ઘઉંનો પોતાનો રંગ બદલાઇ રહ્યો છે. વિજ્ઞાનીઓએ બ્લ્યૂ અને બદામી તથા કાળા રંગ સહિતના વિવિધ રંગોના ઘઉં વિકસાવ્યા છે. શક્ય છે કે હાલ દુકાનોમાં બ્રાઉન બ્રેડ લેવા જનારા લોકો ગ્રીન કે પર્પલ બ્રેડ માગે કે પછી ઘરમાં બનતી મસાલા પુરી પીળી નહીં પણ આસમાની કલરની હોય. કે પછી બજારમાં નવરંગી બિસ્કિટ, પાઉં, પિત્ઝા કે બર્ગર મળતાં હોય. મોહાલી ખાતેની ભારત સરકારની નેશનલ એગ્રી ફૂડ બાયોટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટ (એનએબીઆઇ)ના વિજ્ઞાનીઓએ આઠ વર્ષની જહેમત બાદ આ રંગબેરંગી ઘઉં વિકસાવ્યા છે અને તેની પેટન્ટ માટે અજી કરી છે.

ગયાં વર્ષ જુન માસમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી દ્વારા મંજૂરી અપાયા બાદ હવે પર્પલ, બ્લ્યુ અને બ્લેક રંગના ઘઉં માનવ વપરાશ માટે ઉપલબ્ધ પણ છે. પહેલાં એનએબીઆઇની લેબોરેટરીમાં અને ત્યારબાદ આ સંસ્થાના કેમ્પસમાં આ પ્રકારના ઘઉં ઉગાડાયા હતા. હવે ભારતમાં પંજાબના પતિયાળા અને જલંધર તથા મધ્યપ્રદેશના વિદિશા તથા અન્ય વિસ્તારોમાં 700 હેક્ટર જમીનમાં કોન્ટ્રાક્ટના ધોરણે થતી ખેતીમાં પર્પલ અને બ્લેક રંગના ઘઉં ઉગાડવામાં પણ આવ્યા છે. ફળોને રંગ આપનારું પિગમેન્ટ એન્થોસિએનીન જ આ રંગીન ઘઉમાં હોય છે. આ પિગમેન્ટ ઉચ્ચ એન્ટીઓક્સિડન્ટ ધરાવે છે. હોય છે. આ પ્રકારના એન્ટીઓક્સિડન્ટનું ઉચ્ચ પ્રમાણ ધરાવતા રંગીન ઘઉં ખાવાથી હૃદયના રોગો, ડાયાબિટિસ અને સ્થૂળતાને પણ અંકુશમાં લાવવામાં મદદ મળશે. આ રંગીન ઘઉંને ઝિન્કથી બાયોફોર્ટિફાઇડ કરવામાં આવ્યા છે. આથી આ રંગીન ઘઉં ખાવાથી ભારતના કુપોષણથી પીડાતાં બાળકોને વધારે પોષણ પણ આપી શકાશે.

એનએબીઆઇના રંગીન ઘઉંના પ્રોજેક્ટનાં વડાં મોનિકા ગર્ગના જણાવ્યા અનુસાર 2011માં જાપાન પાસેથી રંગીન ઘઉં વિશે ટેકનિકલ જાણકારી મેળવ્યા બાદ આ ઘઉંના ભારતીય આબોહવામાં પ્રયોગો થયા હતા. ઉંદરો પર પણ  આ રંગીન ઘઉંના પ્રયોગો થઇ ચૂક્યા છે.

સામાન્ય ઘઉં કરતાં રંગીન ઘઉંમાં પાક ઓછો ઉતરે છે એટલે તેની કિંમત થોડી વધારે હશે. પરંતુ, એન્થોસિએનીન અને ઝિન્ક ધરાવતા આ ઘઉં કુપોષણ તથા અન્ય બીમારીઓ સામે મદદ કરશે એ રીતે તેની વધુ કિંમત સાર્થક થાય છે. હાલ આ ત્રણેય રંગના ઘઉંની કોઇ રોગ સામે ટકી રહેવાની ક્ષમતા  તપાસવા માટે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ ખાતે ચકાસણી ચાલી રહી છે. તે પછી રંગીન ઘઉં હાલના નોર્મલ ઘઉંના વિકલ્પ તરીકે નહીં તો પુરક તરીકે બજારમાં ઉપલબ્ધ થવા લાગશે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here