એક તરફ ચોમાસામાં ઓછાં વરસાદના કારણે ખેડૂતો વાવણી નથી કરી શક્યા. વાવણી ન થવાના કારણે ખેડૂતોને એક પાકની આવક ન થતા ખેડૂતો દેવાના ડુંગર તળે દબાતા જાય છે. ખેડૂતોને એક તરફ પાણી વગર ખેતીની ચિંતા છે, તો બીજી તરફ પાક વીમાની ચિંતા છે. ખેડૂતોએ ઘણીવાર પાક વીમાને લઈને સરકારમાં રજૂઆત કરી હતી. પણ ખેડૂતોની સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નહીં. ત્યારબાદ, ખેડૂતોએ પોતાની સમસ્યાના નિરાકરણ માટે સાંસદ સભ્યને પણ રજૂઆત કરી હતી, પરંતુ સાંસદ દ્વારા ખેડૂતોને ઉડાવ જવાબ આપવામાં આવ્યા હતા. જેને લઇને હવે ખેડૂતોએ સરકાર સામે વિરોધનો સુર ઉઠાવ્યો છે અને કહ્યું છે કે, જો ખેડૂતોને પાક વીમો નહીં આપવામાં આવે તો ખેડૂતો દ્વારા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે.

એક રીપોર્ટ અનુસાર સૌરાષ્ટ્રના પડધરી, ઉપલેટા અને ધોરાજીના ખેડૂતોની સ્થિતી કફોડી બની છે. ખેડૂતો પાકની વાવણી કરી શક્યા નથી. આવામાં ખેડૂતોને જે પાક વીમો મળવો જોઈએ, તે હજુ સુધી મળ્યો નથી. પાક વીમો મેળવવા માટે ખેડૂતોએ અનેકો વખત સરકારમાં રજૂઆતો કરી, પરંતુ સરકાર તરફથી ખેડૂતોની સમસ્યાનું કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી. જેના કારણે આજે પડધરી મામલતદાર કચેરી ખાતે એક હજારથી વધારે ખેડૂતોએ ભેગા થઈને વિરોધ નોંધાવ્યો હતો એટલું જ નહીં પરંતુ, ખેડૂતોએ મામલતદાર કચેરીની બહાર સુત્રોચ્ચાર કરીને મામલતદારને આવેદન પાઠવ્યું હતું. ત્યારબાદ રોષે ભરાયેલા ખેડૂતોએ હાઈ-વે પર ચક્કાજામ કરતા પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણના દૃશ્યો પણ સર્જાયા હતા. ત્યારબાદ, પોલીસે ખેડૂત આગેવાનોની અટકાયત કરતા મામલો બીચક્યો હતો અને પોલીસે મામલો થાળે પાડવા માટે ખેડૂતો પર હળવો લાઠીચાર્જ પણ કર્યો હતો.

ખેડૂતોને મામલતદાર કચેરીની બહાર પાક ‘વીમો આપો’, ‘જય જવાન, જય કિસાન’ના સુત્રોચ્ચાર કર્યા હતા અને સરકાર સામે ચીમકી ઉચ્ચારી હતી કે, સરકાર દ્વારા ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ખેડૂતો લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરશે અને કોઈપણ નેતા ચૂંટણી પ્રચાર માટે ગામમાં આવશે, તો તેને ગામની અંદર પ્રવેશ નહીં આપીને તેનો વિરોધ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here