ઉનાળુ શાકભાજીની ખેતી (summer vegetable crop) વરસાદઆધારીત ન હોવાથી ચોમાસુ શાકભાજી કરતા વધારે અને ધાર્યું ઉત્પાદન મેળવી શકાય છે. ઉપરાંત રોગ-જીવાત ઓછા પ્રમાણમાં આવે છે જેથી પાકસરક્ષણ ખર્ચમાં ઘટાડો થાય છે. વધુમાં ગુણવત્તા એકસરખી અને સારી તેમજ બજારભાવ પણ સારા મળી રહે છે. તેથી ઉનાળુ શાકભાજીની ખેતી વૈજ્ઞાનિક ભલામણ મુજબ જ કરવી જોઈએ. ઉનાળામાં મુખ્યત્વે ભીંડા, ગુવાર, ચોળી, વેલાવાળા શાકભાજી જેવા કે દૂધી, તુરીયા, ગલકા, કારેલા, કાક્ડી, ટેટી, તડબુચ જેવા પાકોનું વાવેતર કરી શકાય. ઉપરાંત તાંદળજો અને પાલખની ખેતી કરી શકાય છે.

આબોહવા

ભીંડા એ ગરમ ૠતુનો પાક હોવાથી તેનું વાવેતર ખરીફ તેમજ ઉનાળુ બંને ૠતુમાં કરવામાં આવે છે. આ પાકને ગરમ અને ભેજવાળી આબોહવા વઘુ માફક આવે છે. આ પાક વધારે પડતી ઠંડીમાં થઈ શકતો નથી.

જમીન

સામાન્ય રીતે બધા જ પ્રકારની જમીનમાં લઈ શકાય છે. તેમ છતાં સારા નિતારવાળી ભરભરી, ગોરાડુ, બેસર તથા મઘ્યમકાળી જમીન વઘુ માફક આવે છે. વધારે પડતી કાળી જમીનમાં ચોમાસા દરમ્યાન પાણી ભરાઈ રહેતું હોય તો આવી જમીનમાં ઉનાળુ ૠતુમાં ભીંડાનો પાક સારી રીતે લઈ શકાય છે.

ભીંડાનું વાવેતર

ઉનાળુ ભીંડાનું ટપક સિંચાઈ પદ્ધતિથી વાવેતર કરવાથી ઉત્પાદનમાં ૨૬ ટકા અને ચોખ્ખી આવકમાં 11 ટકાનો વધારો જોવા મળેલ છે. જેમાં 60 સે.મી. X 60 સે.મી. ના અંતરે ભીંડાનું વાવેતર કરવું જોઈએ. લેટરલ અને ડીપરનું અંતર પણ 60 સે.મી. રાખવું. ડ્રીપર ડીસચાર્જ 4 લિટર / કલાક રાખવો અને એકાંતરે દિવસે 1 કલાક અને 45 મિનિટ ટપક સિંચાઈ ચાલુ રાખવી જોઈએ.

પિયત

ઉનાળા દરમ્યાન ટપક પદ્ધતિથી પિયત આપવામાં આવે તો પાણીનો સારો એવો બચાવ કરી શકાય અને ઉત્પાદનમાં પણ વધારો મેળવી શકાય છે.

ઉનાળુ ભીંડા માટે ભલામણ કરેલ જાતો

ઉનાળુ ભીંડીના પાકોમાં પચરંગીયા રોગનું પ્રમાણ ખૂબ જ જોવા મળે છે એટલે પચરંગીયા સામે પ્રતિકારક શક્તિ ધરાવતી જાતો વાવેતર માટે પસંદ કરવી જોઈએ. ગુજરાત જુનાગઢ ભીંડા – 3, ગુજરાત હાઈબ્રીડ ભીંડા – 2, હિસાર ઉન્નત, અરકા અનામિકા તેમજ પ્રતિષ્ઠિત પ્રાઇવેટ કંપનીના હાઇબ્રીડ જાતો વાવેતર માટે પસંદ  કરવી જોઈએ. ઉપરાંત આ રોગનો ફેલાવો કરતી જીવાતના નિયંત્રણ માટે બીજને વાવતા પહેલા થાયોમિથોકઝામ 5 ગ્રામ અથવા ઈમીડાકલોપ્રીડ 5 ગ્રામ પ્રતિ કિલો બીજદીઠ માવજત આપવી તેમજ પાક જ્યારે 40, 55 અને 70 દિવસનો થાય ત્યારે 10 ગામ એ સીફટ, ૭-૧૦ ગ્રામ થાયોમિથેકઝામ અથવા 10 મિ.લિ. ઇમીડાકલોપ્રિડ 10 લિટર પાણીમાં ભેળવી છટકાવ કરવો જોઈએ.

ઉનાળુ ભીંડામાં આવતી કથીરી (માઇટ) નું નિયંત્રણ

ઉનાળ ભીંડામાં આવતી કથીરીના અસરકારક નિયંત્રણ માટે ફેનIઝાકવીન (10 મિલિ) અથવા ડાયફેન્થીયુરોન (10 મિલિ) દવા 10 લિટર પાણીમાં ભેળવી પ્રથમ છટકાવ ઉપદ્રવ જોવા મળતા અને બીજો છટકાવ 10 દિવસના સમયગાળે કરવો.

રોજના અપડેટ માટે અને ખેતી ને લગતી અવનવી માહિતી માટે અમારા ફેસબુક પેજ ખેડૂત પૂત્ર – Khedut Putra ને લાઈક અને શેર કરો.

આ પોસ્ટ ની કોપી કરતાં પહેલા લેખિતમાં અમારી મંજૂરી લેવી ફરજિયાત છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here