ગલગોટા અથવા હજારીગલ તરીકે ઓળખાતા આ ફૂલો દેશના ગામડે ગામડે જાણીતા છે.

ગુલાબને જો ફૂલનો રાજા તરીકે ઓળખવામાં આવે તો ગલગોટાના ફૂલોને પ્રધાન (વજીર) તરીકે અવશ્ય ઓળખી શકાય કારણ કે ગલગોટા તેની સરળ ખેતી પદ્ધતિ, ભિન્ન ભિન્ન જમીન અને આબોહવાને અનુકૂળ થવાની શકિત, ફૂલોની લાંબી મોસમ, ઉત્તમ પ્રકારનાં લાંબી ટકાઉશકિત અને આકર્ષક રંગોવાળા ફૂલોને લીધે આપણા દેશમાં સૌથી વધુ લોકપ્રિય બન્યા છે.

અનાજ કે શાકભાજીની ખેતી કરતાં ફૂલની ખેતીએ આજકાલ નવું કાઠું કાઢ્યું છે. આપણાં ત્યાં ફૂલની ખેતીમાં ખેડૂતો હોંશે હોંશે જોતરાઇ રહ્યા છે. ફૂલનો વપરાશ ધાર્મિક ઉપરાંત સુશોભનમાં વધ્યો છે. એ સાથે વિવિધ પ્રકારનાં ફૂલનાં વાવેતર પણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં શરૂ થયાં છે. ટૂંકા ગાળામાં તેના વાવેતરથી ખેડૂતો સારાં નાણાં કમાઇ શકે છે. આપણે ત્યાં સૌથી સરળ વાવેતર ગલગોટાનાં એટલે કે હજારીગલનાં ફૂલનું થાય છે.

ગલગોટા તેની સરળ ખેતી પદ્ધતિ, ભિન્ન ભિન્ન જમીન અને આબોહવાને અનુકૂળ થવાની શક્તિ, આખા વર્ષ દરમિયાન કરી શકાતી ખેતી, ઓગસ્ટ માસમાં ફેરરોપણી કરી શકાય છે. શ્રાવણ તેમજ નવરાત્રિ અને દિવાળીમાં ગલગોટાની વધુ માગ હોવાથી આવક સારી મેળવી શકાય છે. આણંદ જિલ્લાના દેવાતજ કૃષિ કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક ડૉ. અમિતાબહેન પરમાર અને ડૉ. જી.જી.પટેલે જણાવ્યું હતું કે ગલગોટાની ખેતી ત્રણેય સીઝનમાં થાય છે. જેમ કે શિયાળુ, ઉનાળો અને ચોમાસામાં થઇ શકે છે. ઓગસ્ટ માસમાં ગલગોટાની ફેરરોપણી કરી શકાય છે. હાલ ભારત અને ગુજરાતમાં ફૂલની ખેતી એક ઉદ્યોગ તરીકે વિકસી રહ્યો છે. ગુજરાતમાં વેપારી ધોરણે ગલગોટા, ગેલડિંયા, ગુલાબ વગેરે ફૂલની ખેતી કરવામાં આવે છે. ઉપરોક્ત પાકો પૈકી ગલગોટાની ખેતીમાં ગુજરાતના ખેડૂતો વધારે રસ લઇ રહ્યા છે.ફૂલની ખેતીમાં ગલગોટાની ખેતી એ આગવું સ્થાન મેળવ્યું છે, કારણ કે આ ફૂલની ખેતીને બધા જ પ્રકારની જમીનમાં તેમજ આબોહવામાં માફક આવે છે.

ગલગોટાની અગત્યની જાતો

૧) આફ્રિકન ગલગોટા :

આ પ્રકારના ગલગોટાના છોડ ૬૦ થી ૯૦ સે.મી. જેટલા ઊંચા વધે છે તેનાં ફૂલ મોટા કદનાં અને પીળાં, નારંગી કે લેમન રંગનાં હોય છે. વળી તે ફૂલ સારી ટકાઉશક્તિ ધરાવે છે. ગલગોટાનાં ફૂલના રંગ, કદ અને આકાર પ્રમાણે વિવિધ જાતો વિકસાવવામાં આવે છે જેવી કે જાયન્ટ ડબલ, આફ્રિકન ઓરેન્જ લેમન, ક્રેકર જેક, અલાસ્કા, ફાયર ગ્લોવ, ગોલ્ડન જ્યુબીલી, સનસેટ જાયન્ટ, ક્રસેન્થીમમ, ચાર્મ, હની કોમ્બ કલાયમેક્, સ્પનગોલ્ડ તેમજ સફેદ રંગનાં ફૂલ ધરાવતી સ્નો બર્ડ નામની જાતો છે. આ ઉપરાંત આઇ.એ.આર.આઇ. નવી દિલ્હી દ્વારા પુસા નારંગ અને પુસા બસંતી નામની હાઇબ્રીડ જાતો વિકસાવવામાં આવેલી છે. આ બન્ને જાતો ગુજરાતના હવામાનમાં સફળતાપૂર્વક ઉછેરી શકાય છે.

પુસા બસંતી : આ જાત ગોલ્ડન યલો અને સન જાયન્ટના સંકરણથી વિકસાવવામાં આવી છે. આ જાતનાં ફૂલ પીળા રંગનાં અને કાર્નેશન પ્રકારનાં આકાર ધરાવે છે.

પુસા નારંગી : આ જાત ક્રેકર જેક અને ગોલ્ડન જ્યુબિલીના સંકરણથી તૈયાર કરવામાં આવી છે. આ જાતનાં ફૂલ નારંગી રંગનાં અને ડબલ પાંખડીવાળાં કાર્નેશન પ્રકારનાં ફૂલ જેવો આકાર ધરાવે છે. ગોરલેન્ડ બનાવવા માટે આ જાતનાં ફૂલ ખૂબ જ અનુકૂળ આવે છે.

(૨) ફ્રેન્ચ ગલગોટા :

આ પ્રકારના ગલગોટાના છોડ ૨૫ થી ૩૦ સે.મી. જેટલા ઊંચા (ઠીંગણા) વધે છે. તેનાં ફૂલ કદમાં નાનાં, પરંતુ છોડ ખૂબ જ મોટી મોટી સંખ્યામાં ફૂલ ધરાવે છે. આ ફૂલ પીળા, નારંગી, લાલ, કથ્થાઇ રંગોના મિશ્રણના હોયછે તેના ફૂલ સારી ટકાઉશક્તિ ધરાવે છે.

સંવર્ધન – પ્રસર્જન

ગલગોટાનું વાવેતર બીજમાંથી ધરુ ઉછેર કરીને ફેરરોપણીથી કરવામાં આવે છે. આ ઉપરાંત ચોમાસામાં જૂના છોડના કુમળા કટકા વાવીને પણ છોડ તૈયાર કરી શકાય છે. એક હેક્ટરમાં ગલગોટાના વાવેતર માટે એક કિ.ગ્રામ બીજની જરૂર રહે છે. ગલગોટાના બીજની ઊગવાની શક્તિ એકાદ વર્ષમાં નાશ પામતી હોવાથી દર વર્ષે નવા બીજનો ઉપયોગ કરવો. ગલગોટાનું વાવેતર વર્ષની ત્રણેય ઋતુમાં કરી શકાય છે પરંતુ ફૂલ મેળવવાના સમયને ધ્યાનમાં રાખી ધરુ ઉછેર કરવો.

જમીન અને જમીનની તૈયારી

ખૂબ જ રેતાળ કે અતિ ભારે કાળી જમીન સિવાયની દરેક પ્રકારની જમીનમાં સારી રીતે ઉછેરી શકાય છે, પરંતુ આફ્રિકન ગલગોટાને ભારે કાળી જમીન જ્યારે ફ્રેન્ચ ગલગોટાને હલકી રેતાળ જમીનમાં પણ ઉછેરી શકાય છે. આ પાકના ધરૂની ફેરરોપણી કરતાં પહેલાં ભલામણ મુજબના સેન્દ્રીય અને રાસાયણિક ખાતરો નાખીને જમીનને એક-બેવાર ખેડીને ભરભરી બનાવવી જોઇએ. અગાઉના પાકના જડિયા વીણી લેવા અને ઢેફાં ભાગી જમીનને સમાર મારી સમતલ કરવી.

વાવણી પદ્ધતિ

ફૂલ મેળવવાનો સમય : શિયાળો – ઉનાળો – ચોમાસુ
ધરુ તૈયાર કરવાનો સમય : સપ્ટેમ્બર – ઓક્ટોબર,  જાન્યુઆરી – ફેબ્રુઆરી,  જૂન-જૂલાઇ
ફેરરોપણીનો સમય : ઓક્ટોબર – નવેમ્બર, ફેબ્રુઆરી – માર્ચ, જુલાઇ-ઓગસ્ટ
બીજની રોપણી બાદ ૪૦ થી ૪૫ દિવસના ધરૂની ફેરરોપણી માટે ઉપયોગમાં લેવો. ફેરરોપણીના અંતરનો આધાર તેની જાત ઉપર રહે છે. આફ્રિકન ગલગોટાની ફેરરોપણી ૪૫ થી ૬૦ સે.મી.ના અંતરે અને પ્રેન્ચ ગલગોટાની પેરરોપણી ૩૦ સે.મી.ના અંતરે બે હાર અને બે છોડ વચ્ચે અંતર રાખી કરવી. ગલગોટાની રોપણી યોગ્ય અંતરે કરવાથી મહત્તમ ઉત્પાદન મેળવી શકાય છે.

ખાતર વ્યવસ્થા

જમીનની તૈયારી કરતી  વખતે ૧૫ થી ૨૦ ટન છાણિયું ખાતર જમીનમાં ભેળવી દેવું, ગલગોટાના સારા ઉત્પાદન માટે ૨૦ કિ.ગ્રા.નાઇટ્રોજન ૧૦૦ કિ.ગ્રા.ફોસ્ફરસ અને ૧૦૦ કિ.ગ્રામ પોટાશ તત્વના રુપમાં આપવું. જેમા નાઇટ્રોજનનો અડધો જથ્થો અને ફોસ્ફરસ તમજ પોટાશનો પુરો જથ્થો જમીન તૈયાર કરતી વખતે આપવો જ્યારે નાઇટ્રોજનનો બાકીનો અડધો જથ્થો ફેરરોપણી બાદ એક મહિના પછી આપવો.

પિયત વ્યવસ્થા કેવી રીતે કરવી?

ગલગોટાના છોડનો વાનસ્પતિ  વિકાસ ૫૫ થી ૬૦ દિવસમાં પુરો થાય છે. તે પછી ટોચ ઉપરની કળીઓનો વિકાસ થાય છે તેની સાથે સાથે મુખ્ય થડ ઉપરની ડાળીઓ નીકળવાની શરૂઆત થાય છે અને તેના ઉપર ફૂલ બેસવા લાગે છે. આમ ગલગોટાના વિકાસની કોઇ પણ અવસ્થાએ પાણીની ખેંચ પડેતો છોડના વાનસ્પતિક અને ફૂલના ઉત્પાદન ઉપર અવળી અસર પડે છે. માટે જમીનમાં હંમેશા ભેજ જળવાઇ રહે અને કોઇપણ અવસ્થાએ પાણીની ખેંચ ન પડે તે રીતે નિયમિત પિયત આપવાની ખા કાળજી રાખવી. ફેરરોપણી બાદ ખુબજ હળવું પિયત આપવું. પિયત દરમ્યાન છોડ આડા ન પડે તેની કાળજી રાખવી. ત્યારબાદ જરૂરિયાત મુજબ પિયત આપવું.

નીંદામણ કેવી રીતે કરવું?

આ પાકના શરુાતના વૃદ્ધિકાળ દરમ્યાન આંતરકેડ કરી શકાય છે. પરંતુ છોડને નુકશાન ન થાય તે ખાસ જોવુ છોડનો ફેલાવો થયા પછી આંતરખેડ કરવી યોગ્ય નથી જેથી બે ત્રણ પિયત બાદ કોદાળીથી હળવો ગોળ કરવો.

છોડની માવજત

ટેકો આપવો : આફ્રીકન ગલગોટા ઉચા વધવાની પ્રકૃતિ ધરાવતા હોવાથી છોડ ઢળી ન પડે તે માટે ફૂલ બેસતા પહેલા છોડના થડમાં માટી ચઢાવી તેમજ દરેક છોડના થડ પાસે પાતળી લાકડી જમીનમાં ખેસી ને છોડને ઢીલી દોરી વડે એક બે જગ્યાએ લાકડી સાથે બાંધી ટેકો આપવાથી છોડ ઢળી પડતા નથી જેથી ફુલોની ગુણવત્તા બગડતી અટકાવી શકાય છે.

ફૂલ ઉતારવાનો શ્રેષ્ઠ સમય કયો?

ફૂલ વહેલી સવારે અને સાંજના સમયે ઉતારવા સંપુર્ણ રીતે ખીલેલા હોય તેવા ફૂલની હાથથી ચુંટીને વીણી કરવી, ફૂલ ઉતારવાના આગલા દિવસે પિયત આપવું જેથી ફૂલ લાંબા સમય સુધી સાચવી શકાય નિયમિત ફૂલ ઉતારવાથી ઉત્પાદન વધારે મળે છે ગલગોટાના ફૂલ મોટા ભાગે હાર(માળા) બનાવવાના કામમાં લેવામાં આવે છે. આથી ફૂલને દાંડી વગર જ ઉતારવા

ફુલોનું ઉત્પાદન કેટલું મેળવી શકાય?

એક હેક્ટરે આફ્રિકન ગલગોટાનું ઉત્પાદન ૧૧ થી ૧૮ ટન અને ફ્રેંચ ગલગોટાનુ ૮ થી ૧૨ ટન  ઉત્પાદન થાય છે.

બજારમાં કેવી રીતે મોકલવા?

ફૂલ ઉતાર્યા બાદ ફૂલના કદ રંગ અને આકાર પ્રમાણે વર્ગીકરણ કરીને ફૂલને વાંસના ટોપલામાં અથવા પ્લાસ્ટીક બેગમાં ભરીને બજારમાં મોકલવામાં આવે છે જો દૂરના બજારમાં મોકલવાના હોય તો પ્રથમ ટોપલામાં ભીનુ મસલીનું કપડુ મુકી તેમાં ફૂલ મુકી ઢાંકીને બજારમાં મોકલવામાં આવે તો ફૂલની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઇ રહે છે.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here