ગુજરાત રાજ્યમાં શિયાળુ કઠોળ વર્ગના પાકોમાં ચણા (chickpea) ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. રાજ્યમાં અંદાજે ૧.૫૦ લાખ હેક્ટરમાં ચણાનું વાવેતર કરવામાં આવે છે અને તેનું સરેરાશ ઉત્પાદન અંદાજે ૮૮૫ કિલોગ્રામ મળેલ છે. ગુજરાતમાં ચણાનું મોટાભાગનું વાવેતર ચોમાસાનાં સંગ્રહાયેલ ભેજ આધારિત બિન પિયત પાક તરીકે મુખ્યત્વે અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર અને ખેડા જિલ્લા હેઠળના ભાલ વિસ્તારમાં અને જૂનાગઢના ઘેડ વિસ્તારમાં જ્યારે બહુ જ થોડા વિસ્તારમાં પિયત ચણાની ખેતી કરવામાં આવે છે. પરંતુ ચણા જાતની અગત્યતા જોતા અને તેના મૂલ્ય વર્ધિત મહત્વ જોતા આ પાક દાહોદ, પંચમહાલ, ભરુચ, નવસારી, ખેડા અને વડોદરા જિલ્લામાં તેનું વાવેતર શરૂ થયું છે અને વર્ષો વર્ષ વાવેતર વિસ્તાર વધતો જાય છે.

પિયત જમીનમાં ચણાની ખેતી

ગોરાડુ, રેતાળ જ્મીન ચણાની ખેતી માટે યોગ્ય છે. ચોમાસુ પાકની કાપણી કરી, ઓરવણ કરવું, વરાપ થાય પછી ખેડ કરી જમીન તેયારી કરી વાવણી કરવી.

ભલામણ કરેલ જાત: ગુજરાત ચણા- ૧

બીજ માવજત: સુકારા સામે રક્ષણ માટે બીજને એક કિ.ગ્રા. દીઠ ત્રણ ગ્રામ કાર્બન્ડાજીમ દવાનો પટ આપવો, પછી રાઈઝોબિયમ કલ્યારનો પટ આપવો તેથી ઉગાવો સારો થાય અને જમીનની ફળદ્રુપતા જળવાઇ રહે.

વાવણીનો સમય:  ૧૫ ઓક્ટોબરથી ૨૫ નવેમ્બર

બિયારણનો દર: ૫૦ થી ૬૦ કિ.ગ્રા. / હે.

વાવણી અંતર: બે હાર વચ્ચે ૩૦ સે.મી.

રાસાયણીક ખાતર: પાયાના ખાતર તરીકે ૨૦ કિ.ગ્રા. નાઈટ્રોજન હે. અને ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ / હે. આપવો. ચણાના પાકને પૂર્તિ ખાતરની જરૂરિયાત નથી, કારણ કે ચણાના મૂળમાં રાઈઝોબિયમ જીવાણું હોવાથી, તેથી છોડ પોતે જ હવામાં નાઈટ્રોજન તેના વૃદ્ધિ અને વિકાસ માટે ઉપયોગ કરે છે. વધારાનો નાઈટ્રોજન આપવાથી છોડની વૃદ્ધિ વધારે પડતી થાય અને ફૂલો મોડા બેસે છે અને ખર્ચ પણ વધે છે.

આંતરખેડ અને નિંદામણ:

  • ૧ થી ૨ વખત આાંતરખેડ કરવી.
  • હાથથી નીંદામણ દૂર કરવું.
  • વાવણી કરી તુરત જ પેન્ડીમીથાલીન (સ્ટોમ્પ) ૧૦ લિટર પાણીમાં પ૫ મિ.લિ. (૪૦૦ થી ૫૦૦ મિલી/હે) દ્રાવણનો છટકાવ કરવો.
  • ફૂલ બેસવાની અવસ્થાએ હળવું પિયત આપવું
  • પોપટા બેસવાની અવસ્થાએ જરૂર પડે તો જ પિયત આપવું

પાકવાના દિવસો: ૧૧૦ થી ૧૧૫ દિવસ

ઉત્પાદન: ૧૮૦૦ થી ૨૫૦૦ કિલો/હે

બિનપિયત જ્મીનમાં ચણાની ખેતી

વધારે ભેજ સંગ્રહ શક્તિવાળી , કાળી, મધ્યમ કાળી કાંપવાળી ચોમાસુ પાકની કાપણી કરી, તરત જ જમીન ખેડી પછી પાટ (સમાર) મારી વાવણી કરવી જેથી ભેજની માત્રા જળવાઈ રહે છે અને બીજનો ઉગાવો સારો થાય છે.

ભલામણ કરેલ જાતો: ગુજરાત ચણા-૨, દાહોદ પીળા, ચાફા

બીજ માવજત: સુકારા સામે રક્ષણ માટે બીજને એક કિ.ગ્રા. દીઠ ત્રણ ગ્રામ કાર્બન્ડાજીમ દવાનો પટ આપવો, પછી રાઈઝોબિયમ કલ્યારનો પટ આપવો તેથી ઉગાવો સારો થાય અને જમીનની ફળદ્રુપતા જળવાઇ રહે.

વાવણીનો સમય: ૧૦ ઓક્ટોબરથી ૨૫ ઓક્ટોબર

બિયારણનો દર: ૬૫ થી ૭૦ કિ.ગ્રા. / હે.

વાવણી અંતર: બે હાર વચ્ચે ૪૫ સે.મી.

રાસાયણીક ખાતર: પાયાના ખાતર તરીકે ૨૦ કિ.ગ્રા. નાઈટ્રોજન / હે. અને ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ / હે. આપવો. ચણાના પાકને પૂર્તિ ખાતરની જરૂરિયાત નથી, કારણ કે ચણાના મૂળમાં રાઈઝોબિયમ જીવાણું હોવાથી, તેથી છોડ પોતે જ હવામાં નાઈટ્રોજન તેના વૃદ્ધિ અને વિકાસ માટે ઉપયોગ કરે છે. વધારાનો નાઈટ્રોજન આપવાથી છોડની વૃદ્ધિ વધારે પડતી થાય અને ફૂલો મોડા બેસે છે અને ખર્ચ પણ વધે છે.

આંતરખેડ અને નિંદામણ:

  • ૧ થી ૨ વખત આાંતરખેડ કરવી.
  • હાથથી નીંદામણ દૂર કરવું.

પાકવાના દિવસો: ૯૦ થી ૧૦૦ દિવસ

ઉત્પાદન: ૧૦૦૦ થી ૧૨૦૦ કિલો/હે

પાક રોગો અને જીવાત

સુકારો (વિલ્ટ)

આ રોગને આવતો અટકાવવા રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવતી જાત ગુજરાત ચણા -૧ નું પ્રમાણિત અને શુદ્ધ બિયારણ વાપરવું. બીજને વાવતા પહેલાં અગાઉ જણાવ્યા મુજબ ફૂગનાશક દવાનો પટ આપવો. પાકની ફેરબદલી કરવી.

કોહવારો

પાક વાવતા પહેલાં દિવેલીનો ખોળ હેક્ટરે ૧૦૦૦ કિ.ગ્રા. પ્રમાણે જમીનમાં આપવો .આગળ જણાવ્યા મુજબ ફૂગનાશક દવાનો પટ આપવો. પાકની ફેરબદલી કરવી. ઠંડીની શરૂઆત થાય પછી જ વાવેતર કરવું.

પોપટા કોરી ખાનાર (લીલી ઈયળ)

  • હેક્ટર દીઠ લીલી ઈયળનાં ફેરોમોન ટ્રેપ ૬૦ સંખ્યામાં ગોઠવવા અને દર ૨૧ દિવસે તેની ચૂર બદલવી.
  • પક્ષીને બેસવા માટેની વ્યવસ્થા કરવી (બર્ડ પચી બેસાડવા, હેક્ટરે ૧૦૦ નંગ).
  • લીલી ઈયળ તેની ક્ષમ્ય માત્રા (૨૦ ઈયળ / ૨૦ છોડ ફૂલ આવતાં પહેલાં અને ૧૦ ઈયળ / ૨૦ છોડ પર ફૂલ આવ્યા પછી) વટાવે તો એન્ડોસલ્ફાન (૨૦ મિ.લિ. / ૧૦ લિટર) કે પોલિટ્રિન સી (૧૨ મિ.લિ. / ૧૦ લિટર) પેકી કોઈ એક દવાનો છટકાવ કરવો.

પોષણ વ્યવસ્થા (Nutrition Management):

આ પાકમાં હેક્ટરે ૮ થી ૧૦ ટન છાણિયું ખાતર જમીન તૈયાર કરતી વખતે જમીનમાં સારી રીતે ભેળવી દેવું. વાવણી વખતે હેકટરે ર૦ કિલો નાઇટ્રોજન અને ૪૦ કિલો ફોસ્ફરસ પાયાના ખાતર તરીકે આપવું. જસતની ઉણપવાળી જમીનમાં રપ કિલો ઝીંક સલેફટ પ્રતિ હેકટરે ઉમેરવાથી ઉત્પાદનમાં ફાયદો થાય છે.

જુનાગઢ, આણંદ, દાહોદ અને અરણેજ (ભાલ) ખાતે લેવામાં આવેલ સંશોધનના પરિણામો પરથી માલૂમ પડે છે કે ચણાના પાકમાં હેક્ટરે પ. ટન છાણિયું ખાતર, રપ કિલો નાઇટ્રોજન અને રપ કિલો ફોસ્ફરસની સાથે બીજને ર૦૦ ગ્રામ રાઇઝોબીયમ કલ્યર / ૮ કિલો બિયારણને પટ આપીને વાવેતરના ઉપયોગમાં લેવાથી વધુ ઉત્પાદન અને મહત્તમ ફાયદો થાય છે.

ભાલ વિસ્તારમાં બિન પિયત ચણામાં ર૦ કિલો નાઇટ્રોજન વાવણી વખતે આપવું. આ વિસ્તારમાં વરસાદના સંગ્રહિત પાણીથી એક પિયત આપવાની સગવડતા હોય તો ૪૦ કિલો નાઇટ્રોજન વાવણી વખતે આપવાની ભલામણ છે.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here