કપાસ ની સફળ ખેતી

મુખ્ય રોકડીયા પાકો મા કપાસ આગવુ સ્થાન ધરાવે છે અને દેશના અર્થકરણમાં અગત્યનો ભાગ ભજવે છે. વિશ્વના જે દેશોમાં કપાસનો પાક લેવામાં આવે છે, તેમાં વાવેતરની દ્રષ્ટિએ ભારતમાં સૌથી વધુ વિસ્તારમાં કપાસ ( ૧૨૧.૯૧ લાખ હેકટર) ઉગાડવામાં આવે છે, જ્યારે કપાસનું સૌથી વધુ ઉત્પાદન ચીનમાં થાય છે. ચીન પછી આપણા દેશનો ઉત્પાદનની દ્રષ્ટિએ બીજો નંબર છે. ગુજરાતમાં કપાસના કુલ વાવેતરના ૮0% વિસ્તારમાં બીટી જાતોનું વાવેતર કરવામાં આવે છે. અત્યારે દેશની ઉત્પાદકતા ૪૮૧.૨૩ કીલો રૂ/હેક્ટર છે જે કપાસ પકવતા અન્ય દેશો કરતાં ઘણી ઓછી છે, તે વધારવાની ખાસ જરૂરીયાત છે. ઉત્પાદકતા વધારવા માટે સંશોધન આધારિત ઘણી ખેતી પધ્ધતીઓ કપાસના પાકમાં વિકસાવવામાં આવેલ છે, તે અપનાવવામાં આવે તો કપાસના ઉત્પાદનમાં ખાસો વધારો થઈ શકે તેમ છે.

બીટી કપાસ ની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ – ભાગ ૧ (BT Cotton Cultivation):

જમીનની પસંદગી

કપાસના પાકને સારા નિતારવાળી, મધ્યમ કાળી, ગોરાડું તથા સાધારણ રેતાળ જમીન વધુ અનુકુળ આવે છે. ગુજરાતની જ વાત કરીએ તો આપણે ત્યાં કપાસનું વાવેતર કરવામાં આવે છે તે બધા જ વિસ્તારમાં આવી જમીન ન હોવા છતા કપાસનો પાક લેવામાં આવે છે, જેથી ધાર્યું ઉત્પાદન મળતુ નથી.

પ્રાથમિક ખેડ

જમીનને હળથી ઊડી ખેડી ઉનાળામાં તપવા દેવી જોઈએ, જેથી અગાઉના પાકના ઝડીયા, ઘાસ વગેરે સુર્યના તાપથી સુકાઈ જશે અને પાકના અવશેષો સાથે રહેલ રોગ અને જીવાત સૂર્યના તાપમા ખુલ્લા થવાથી નાશ પામશે. આમ, ઉનાળામા ઊડી ખેડ કરવાથી જમીનમાં વરસાદના પાણી તેમજ ભેજનો સંગ્રહ કરવાની ક્ષમતામાં વધારો થશે. જેથી જ્યારે કપાસનું વાવેતર કરવામાં આવશે ત્યારે બીજનો ઉગાવો સારો થશે અને ખેતરમાં ઘામાનું પ્રમાણ ઓછુ રહેવાથી એકમ વિસ્તારમાં છોડની સંખ્યા પુરતી જળવાઈ રહેવાથી કપાસનું ઉત્પાદન સારૂ મેળવી શકાશે.

જે વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધુ હોય અને જમીનમાં પાણી ભરાઈ રહેવાનો પ્રશ્ન હોય તેવી જમીનમાં ઢાળીયા પાળી બનાવી પાળી ઉપર કપાસના બીજની વાવણી કરવાથી બીજનો ઉગાવો સારો થશે અને બીજ કોહવાઈ જતા અટકે છે. ઉનાળામાં બે થી ત્રણ વર્ષે ટ્રેકટરથી જમીનને ઊડી ખેડવાથી કાયમી, હઠીલા નિંદણનો નાશ થશે અને ઉપદ્રવ ઓછો થવાથી પાકનો વિકાસ સારો થશે.

જાતની પસંદગી

કપાસનું ઉત્પાદન ઘણા પરિબળો ઉપર આધાર રાખે છે. પાક ઉત્પાદન પર અસર કરતા પરિબળોમાં બિયારણની યોગ્ય પસંદગી ઉપર ઉત્પાદનનો મુખ્ય આધાર રહેલો છે. ગુજરાતમાં વવાતા કપાસના ૮૦% કરતાં વધુ વિસ્તારમાં બીટી કપાસનું વાવેતર કરવામાં આવે છે. જ્યારે અન્ય વિસ્તારમાં કે જ્યાં ચોમાસા દરમ્યાન જમીનમાં પાણી ભરાઈ રહે છે અથવા જમીનના પ્રશ્નો છે, તેવા વિસ્તારમાં જ હવે દેશી કપાસનું વાવેતર થાય છે.

સારૂ, શુધ્ધ અને પ્રમાણિત બીજની વાવેતર માટે પસંદગી કરવી જોઈએ. બીટી કપાસની લગભગ ૫૦૦ કરતા વધુ જાતોને ભારત સરકારા દ્વારા ગુજરાત રાજ્યમાં વાવેતર માટે માન્યતા મળેલ છે, તેમાંથી યોગ્ય જાતને પસંદ કરી બિયારણની વ્યવસ્થા અગાઉથી કરી લેવી જોઈએ.ખાસ કરીને ડબલ જીન (બીજી-૨) વાળી જાતો પસંદ કરવી જોઈએ જેથી કપસની ચારેય અગત્યની ઈયળો સમે રક્ષણ મળે. વર્ષ-૨૦૧૨માં ભારત સરકારે માન્ય કરેલા જાહેર ક્ષેત્રની પ્રથમ બીટી જાતો ગુ.કપાસ સંકર-૬ (બીજી-૨) તથા ગુ. કપાસ સંકર-૮ (બીજી-૨) ખુબ જ અનુકુળ માલુમ પડેલ છે. કપાસની બીટી જાતોના બિયારણના ભાવ ઘણા ઊંચા હોવાથી પોતાની જમીન, વાતાવરણ અને પિયતની સગવડતા પ્રમાણે બિયારણની પસંદગી કરવી જરૂરી છે.

વાવણીનો સમય

કપાસનાં વાવેતર માટે વાવણીનો સમય ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. કપાસનું વાવેતર શકય એટલુ વહેલુ, એટલે કે મે માસનાં છેલ્લાં પખવાડિયામાં કરવાથી ચોમાસાનો વરસાદ થાય તે પહેલા પાકનો ઉગાવો વ્યવસ્થિત થઈ જવાથી વરસાદ થયા બાદ પાકનો વિકાસ સારી થશે અને તંદુરસ્ત છોડનો વિકાસ સારો થવાથી પાકમાં ફૂલ-ભમરી અને જીંડવા બેસવાનુ પ્રમાણ વધે છે, જેથી કપાસનું સારુ ઉત્પાદન મેળવી શકાય છે. વરસાદ આધારિત ખેતીમાં ચોમાસામાં વાવણી લાયક વરસાદ થાય કે તરતજ જુન માસના અંતમા અથવા જુલાઇ માસની શરુઆતમાં વાવણી કરવાથી કપાસનો ઉગાવો સારો થાય છે.

કપાસ નુ આગોતરુ વાવેતર

પિયતની સગવડતા હોય ત્યાં મે મહિનાના અંત થી જુન મહિનામાં પિયત આપી કપાસનુ વાવેતર કરવાથી કપાસ લીધા પછી શિયાળુ ઋતુમાં બીજો પાક લઇ શકાય છે. કપાસનાં પાકમાં રોગ અને જીવાતનુ પ્રમાણ પણ ઓછુ રહેવાથી ઉત્પાદન ખર્ચ ઓછો થાય છે. વળી કપાસનાં પાક પર હિમની માઠી અસર થતી હોય, જે વિસ્તારમાં ઠંડી વધુ પડતી હોય ત્યાં કપાસનું વાવેતર વહેલુ કરવાથી શિયાળામાં હિમથી થતાં નુકસાનથી પાકને બચાવી શકાય.

બીજનું પ્રમાણ અને વાવણી અંતર

કપાસના ઉત્પાદનમાં વાવેતર અંતર (બે છોડ અને બે હાર વચ્ચે) ખૂબ અગત્યનો ભાગ ભજવે છે, તે માટે હેકટર દીઠ ભલામણ કરેલ બીજનું પ્રમાણ જાળવવુ ખૂબ જ જરૂરી છે. બીજનુ પ્રમાણ અને વાવણી અંતર નીચેની બાબતો પર આધાર રાખે છે. જમીનનો પ્રકાર, જમીનની ફળદ્રુપતા, વાતાવરણની પરિસ્થિતી અને પસંદ કરેલ જાતની વૃધ્ધિ વગેરે પર આધાર રહે છે. પસંદ કરેલ જાતની વાનસ્પતિક વૃધ્ધિ વધુ હોય તો વાવણી અંતર ઓછી વૃધ્ધિ પામતી જાતો કરતાં વધુ રાખવુ જોઇએ, કે જેથી છોડને પુરતો સૂર્યપ્રકાશ મળી રહે તથા છોડને પુરતો સૂર્યપ્રકાશ મેળવવા માટે હરીફાઇ ઓછી થવાથી છોડની ઉચાઇનું નિયમન થઇ શકે અને ખેતી કાર્યો કરવામાં પણ અનુકુળતા રહેવાથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે. સંશોધનના પરિણામ સ્વરૂપે બીટી કપાસની વાવણી ૧૨૦ x ૪૫ સેમી અંતરે કરવાથી વધુ ઉત્પાદન મેળવી શકાય છે. બીટી કપાસની ફરતે ૨૦% અથવા પાંચ લાઈનો બે માંથી જે વધુ હોય તે પ્રમાણે જે તે જાતોની નોન બીટીનું અથવા સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ નક્કી કરેલા અન્ય પાકનું પણ વાવેતેર કરવું જરૂરી છે. આ લાઈનો સંરક્ષણ પટ્ટી તરીકેનું કામ કરે છે.

બીજ માવજત

કપાસનાં બીજનો ઉગાવો સારો થાય અને શરુઆતથી જ ઉગાવા બાદ ચુસિયા પ્રકારની જીવાતોથી છોડને રક્ષણ મળી રહે તે માટે કપાસનાં બીજને વાવતાં પહેલાં એક કીલોગ્રામ બીજ દીઠ ઇમીડા ક્લોપ્રિડ ૧૦ ગ્રામ અથવા કાર્બોસલ્ફાન ૧૦ ગ્રામ અથવા એસિટામિપ્રિડ ૨૦ ગ્રામ અથવા થાઇમીથોક્ઝિામ ૨.૮ ગ્રામ પ્રમાણે પટ આપી વાવણી કરવી જોઇએ, જેથી કપાસના પાકમાં શરૂઆતના ૪૫ દિવસ સુધી ચુસિયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે. આ ઉપરાંત કપાસના પાકમા રાસાયણિક ખાતરનો બચાવ થઈ શકે તે માટે એઝોટોબેક્ટર તથા ફોસ્ફેટ કલ્યારનો બીજને પટ આપીને વાવેતર કરવાથી ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે અને પ્રદૂષણનો પ્રશ્ન મહદ અંશે ઘટવાથી પર્યાવરણને થતી અસર ઓછી કરી શકાય છે.

વાવણીની રીત

સંકર કપાસ અને તેમાય બીટી કપાસની જાતોના બિયારણની કિંમત ઘણી વધારે હોવાથી બીજને યોગ્ય અંતરે થાણીને વાવેતર કરવાથી બિયારણની જરૂરીયાત ઓછી રહે છે અને થાણીને બીજનું વાવેતર કરવાથી બીજનો ઉગાવો સારો થાય છે. કપાસના બીજની જમીનમાંના ભેજની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખી ૪-૬ સેમી ઊંડાઈએ વાવણી કરવાથી ઉગાવો સારો થાય છે અને ઘામાનું પ્રમાણ ઓછું રહેવાથી પૂરતા છોડની સંખ્યા જળવાઈ રહેવાથી સરવાળે સારૂ ઉત્પાદન મળે છે.

કપાસની પારવણી

કપાસનો યોગ્ય વિકાસ થઈ શકે તે માટે થાણા દીઠ એક જ તંદુરસ્ત છોડ રાખી વધારાના છોડને વાવણી બાદ ૧૫ દિવસે ઉપાડી દૂર કરવા જોઈએ. આમ સમયસર પારવણી કરવાથી છોડના વિકાસ માટે પૂરતી જગ્યા મળી રહેવાથી છોડનો વિકાસ સારો થશે અને છોડ દીઠ ડાળીઓની સંખ્યા વધશે અને સરવાળે વધારે ફુલ-ભમરી બેસવાથી જીંડવાની સંખ્યામાં વધારો થવાથી ઉત્પાદનમાં વધારો મેળવી શકાય.

ખાતર વ્યવસ્થા

કપાસ ને વાવેતર પહેલા ચાસમાં હેક્ટરે ૧૦ ટન પ્રમાણે છાણિયુ ખાતર આપવાથી પાકને જરૂરી બધા જ પોષક તત્વો તેમાંથી મળી રહેશે. આ ઉપરાંત, જમીનમાં લાંબા સમય સુધી ભેજ સંગ્રહ થવાથી વરસાદની અનિયમિતતા વખતે પાકને પૂરતો ભેજ મળી રહેવાથી વરસાદની ખેંચ સમયે થતી માઠી અસરથી પાકને બચાવી શકાશે. બીટી કપાસની ઉત્પાદન ક્ષમતા વધુ હોવાથી તેમને જરૂરી સુક્ષ્મ તત્વો પણ પૂરતા પ્રમાણમાં મળી રહેશે. બધા જ જરૂરી પોષક તત્વો છાણિયા ખાતરમાં વત્તા-ઓછા પ્રમાણમાં હોવાથી પાકને સંતુલિત પોષણ મળી રહેવાથી પાકનો વિકાસ સારો થશે.

કપાસના પાકને સેન્દ્રિય ખાતર ઉપરાંત રાસાયણિક ખાતરની જરૂરીયાત પણ વધારે રહે છે. કપાસનો આર્થિક પોષણક્ષમ પાક લેવા માટે હેક્ટરે ૨૪૦ કીગ્રા નાઈટ્રોજનની જરૂરીયાત રહે છે, આ માટે નાઈટ્રોજનયુક્ત ખાતર પૂર્તિ ખાતરના રૂપમાં ૩૦, ૬૦, ૭૫, ૯૦ અને ૧૦૫ દિવસનો પાક થાય ત્યારે પાંચ સરખા હપ્તામાં આપવાથી ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે. કપાસના પાકને ફોસફરસ તત્વની જરૂરીયાત ઓછી હોવાથી જો જમીનમાં લભ્ય ફોસ્ફરસનું પ્રમાણ ઓછું હોય તો જ હેક્ટરે ૪૦ કીલોગ્રામ પ્રમાણે ફોસફરસયુક્ત ખાતર આપવાની ભલામણ કરવામાં આવે છે. ગુજરાતની જમીનમાં લભ્ય પોટાશનું પ્રમાણ વધુ હોવાથી પોટાશયુક્ત ખાતર આપવાની જરૂરીયાત કપાસના પાકમાં રહેતી નથી, પરંતુ કપાસના ઊભા પાકમાં ૨% પોટાશિયમ નાઇટ્રેટના ૩ છટકાવ છોડ પર ફૂલ- ભમરી બેસવાની અવસ્થા, ફૂલ અવસ્થા અને જીંડવાના વિકાસની અવસ્થાએ કરવાથી પાકને જરુરી પોષક તત્વ મળી રહે છે અને કપાસનું ઉત્પાદનમાં વધારો થાય છે અને કપાસની ગુણવત્તામાં સુધારો થાય છે, જેના લીધે કપાસના ભાવ ઊંચા મળે છે.

કપાસના પાકમાં સંતુલિત પોષણ વ્યવસ્થા માટે હેક્ટરે ૧૦ ટન છાણિયા ખાતર ઉપરાંત ૫૦% નાઇટ્રોજન રાસાયણિક ખાતરના સ્વરુપમાં અને ૨૫% નાઇટ્રોજન દિવેલીના ખોળમાંથી આપવાથી કપાસનું ઉત્પાદન સારુ મળે છે અને જમીનની ફળફુપતા લાંબા સમય સુધી જાળવી શકાય છે.

બીટી કપાસ ની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ – ભાગ ૨ (BT Cotton Cultivation – Part 2):

ખેડુતમિત્રો, આ લેખ બીટી કપાસની ખેતી (BT Cotton Cultivation) વિશે લેખમાળાનો બીજો ભાગ છે. તમે પહેલો ભાગ અહિં જોઇ શકો છો.

કપાસની પારવણી

કપાસનો યોગ્ય વિકાસ થઈ શકે તે માટે થાણા દીઠ એક જ તંદુરસ્ત છોડ રાખી વધારાના છોડને વાવણી બાદ ૧૫ દિવસે ઉપાડી દૂર કરવા જોઈએ. આમ સમયસર પારવણી કરવાથી છોડના વિકાસ માટે પૂરતી જગ્યા મળી રહેવાથી છોડનો વિકાસ સારો થશે અને છોડ દીઠ ડાળીઓની સંખ્યા વધશે અને સરવાળે વધારે ફુલ-ભમરી બેસવાથી જીંડવાની સંખ્યામાં વધારો થવાથી ઉત્પાદનમાં વધારો મેળવી શકાય.

ખાતર વ્યવસ્થા

કપાસને વાવેતર પહેલા ચાસમાં હેક્ટરે ૧૦ ટન પ્રમાણે છાણિયુ ખાતર આપવાથી પાકને જરૂરી બધા જ પોષક તત્વો તેમાંથી મળી રહેશે. આ ઉપરાંત, જમીનમાં લાંબા સમય સુધી ભેજ સંગ્રહ થવાથી વરસાદની અનિયમિતતા વખતે પાકને પૂરતો ભેજ મળી રહેવાથી વરસાદની ખેંચ સમયે થતી માઠી અસરથી પાકને બચાવી શકાશે. બીટી કપાસની ઉત્પાદન ક્ષમતા વધુ હોવાથી તેમને જરૂરી સુક્ષ્મ તત્વો પણ પૂરતા પ્રમાણમાં મળી રહેશે. બધા જ જરૂરી પોષક તત્વો છાણિયા ખાતરમાં વત્તા-ઓછા પ્રમાણમાં હોવાથી પાકને સંતુલિત પોષણ મળી રહેવાથી પાકનો વિકાસ સારો થશે.

કપાસના પાકને સેન્દ્રિય ખાતર ઉપરાંત રાસાયણિક ખાતરની જરૂરીયાત પણ વધારે રહે છે. કપાસનો આર્થિક પોષણક્ષમ પાક લેવા માટે હેક્ટરે ૨૪૦ કીગ્રા નાઈટ્રોજનની જરૂરીયાત રહે છે, આ માટે નાઈટ્રોજનયુક્ત ખાતર પૂર્તિ ખાતરના રૂપમાં ૩૦, ૬૦, ૭૫, ૯૦ અને ૧૦૫ દિવસનો પાક થાય ત્યારે પાંચ સરખા હપ્તામાં આપવાથી ખાતરનો કાર્યક્ષમ ઉપયોગ થાય છે. કપાસના પાકને ફોસફરસ તત્વની જરૂરીયાત ઓછી હોવાથી જો જમીનમાં લભ્ય ફોસ્ફરસનું પ્રમાણ ઓછું હોય તો જ હેક્ટરે ૪૦ કીલોગ્રામ પ્રમાણે ફોસફરસયુક્ત ખાતર આપવાની ભલામણ કરવામાં આવે છે. ગુજરાતની જમીનમાં લભ્ય પોટાશનું પ્રમાણ વધુ હોવાથી પોટાશયુક્ત ખાતર આપવાની જરૂરીયાત કપાસના પાકમાં રહેતી નથી, પરંતુ કપાસના ઊભા પાકમાં ૨% પોટાશિયમ નાઇટ્રેટના ૩ છટકાવ છોડ પર ફૂલ- ભમરી બેસવાની અવસ્થા, ફૂલ અવસ્થા અને જીંડવાના વિકાસની અવસ્થાએ કરવાથી પાકને જરુરી પોષક તત્વ મળી રહે છે અને કપાસનું ઉત્પાદનમાં વધારો થાય છે અને કપાસની ગુણવત્તામાં સુધારો થાય છે, જેના લીધે કપાસના ભાવ ઊંચા મળે છે.

કપાસના પાકમાં સંતુલિત પોષણ વ્યવસ્થા માટે હેક્ટરે ૧૦ ટન છાણિયા ખાતર ઉપરાંત ૫૦% નાઇટ્રોજન રાસાયણિક ખાતરના સ્વરુપમાં અને ૨૫% નાઇટ્રોજન દિવેલીના ખોળમાંથી આપવાથી કપાસનું ઉત્પાદન સારુ મળે છે અને જમીનની ફળફુપતા લાંબા સમય સુધી જાળવી શકાય છે.

પાળા ચઢાવવા

કપાસનો પાક લાંબા ગાળાનો અને છોડનો વિકાસ પણ વધુ હોવાથી કૂદરતી વાવાઝોડા તથા પવન સામે રક્ષણ મળી રહે અને છોડ ઢળી ન પડે તે માટે ૪૦ દિવસે આંતરખેડ કર્યા બાદપાળા ચઢાવવા જરુરી છે. વરસાદ વધુ પડે તો પાળા ચઢાવવાથી ખેતરમાં પાણી ભરાવાથી કપાસને થતાં નુકસાનથી બચાવી શકાય છે અને પાટલામાંથી નિતાર દ્વારા વધારાનું પાણી ખેતરની બહાર કાઢી શકાય છે.

આંતર પાક

કપાસનુ વાવેતર પહોળા પાટલે કરવામાં આવતું હોવાથી વચ્ચેની જગ્યા પડી રહે છે, જેના લીધે નિંદામણનો ઉપદ્રવ વધુ રહે છે અને શરૂઆતમા કપાસનો વિકાસ પણ ધીમો હોય છે. વહેલા પાકતા અને કપાસના છોડના વિકાસને અવરોધ ન કરે તેવા ટુંકા ગાળામાં તૈયાર થઈ શકે તેવા પાકને કપાસની બે હાર વચ્ચે મગફળી, તલ, સોયાબીન, મગ, અડદ જેવા પાકને આંતરપાક તરીકે લેવાથી એકલા કપાસ કરતા વધુ નફો મળે છે. વળી કઠોળ વર્ગના પાક કપાસ સાથે મિશ્રપાક તરીકે લેવામાં આવે તો જમીનની ફળદ્રુપતા પણ સુધરે છે અને પાકને જરૂરી રાસાયણિક ખાતરની જરૂરીયાતમાં ઘટાડો થાય છે, જેથી ઉત્પાદન ખર્ચમાં ઘટાડાની સાથે સાથે આર્થિક લાભ પણ થાય છે.

પિયત વ્યવસ્થા

કપાસ લાંબા ગાળાનો પાક હોવાથી ચોમાસા દરમ્યાન વરસાદથી પાણી મળે છે, પરંતુ વરસાદ બંધ થયા પછી પાકને પિયતની જરૂરીયાત રહે છે. કપાસના પાકને છોડની વાનસ્પતિક વૃધ્ધિ, ફુલ-ભમરી (છાપવા), ફુલ તેમજ જીંડવાના વિકાસ અવસ્થા પિયત માટે કટોકટીની અવસ્થાઓ હોવાથી આ સમયે પિયતની ખાસ જરૂરીયાત પડે છે. આ અવસ્થાએ જો જમીનમાં ભેજની અછત વરતાય તો કપાસના ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે, તેથી આ અવસ્થાએ જમીનમાં પૂરતો ભેજ ન હોય તો પિયત અવશ્ય આપવુ જોઈએ. બિનજરૂરી અને વધારે પડતુ પિયત આપવાથી કપાસના પાકને માઠી અસર થાય છે અને ફુલ-ભમરી ખરી પડે છે. આથી, ફુલભમરી આવવાના સમયે વધુ પડતું પિયત આપવુ હિતાવહ નથી. વળી, પિયતની ખેંચ વધુ પડતા ભેજની અછત ઉભી થવાના લીધે પણ ફુલ-ભમરી ખરી પડે છે. આમ કપાસના પાકમાં પિયત વ્યવસ્થા માટે પુરતી કાળજી રાખી પિયત આપવુ જોઇએ.

કપાસમાં ટપક પિયત પધ્ધતિ દ્વારા પિયત આપવામાં આવે તો પિયતનું નિયમન સારી રીતે કરી શકાય છે અને પાકને જરૂરીયાત પ્રમાણે જ પાણી આપી શકાય છે. ટપક પધ્ધતિ દ્વારા પિયતની સાથે રાસાયણિક ખાતર આપવાથી રાસાયણિક ખાતરની જરૂરીયાત પણ ઓછી રહેવાથી ખાતરનો બચાવ થાય છે. આમ, કપાસના પાકમાં ટપક પિયત પધ્ધતિ દ્વારા પિયત સાથે ખાતર આપવાથી હેક્ટરે ૬૦ કીલો નાઈટ્રોજન ખાતરની બચત થાય છે અને પાટલામાં રેલાવીને પિયત આપવાની પધ્ધતિમાં જેટલા પ્રમાણમાં પાણીનો ઉપયોગ થાય છે તેટલા જ જથ્થાનું પાણી ટપક પધ્ધતિ દ્વારા આપવાથી પિયત હેઠળનો વિસ્તાર દોઢ ગણો કરી શકાય છે. કપાસનું આગોતરું વાવેતર ચોમાસા પહેલા કરવાનું હોય ત્યારે ટપક પિયત પધ્ધતિ અપનાવી વાવેતર કરવાથી ઓછા પાણીએ વધારે વિસ્તારમાં કપાસનો પાક ઉગાડી શકાય છે.

કપાસના પાકમાં છેલ્લા વરસાદ પછી ૨૦ થી ૨૫ દિવસે પ્રથમ પિયત આપવું જોઈએ. વરસાદ પછી ૨૦ થી ૨૫ દિવસના આંતરે કપાસના પાકને ૨ થી ૩ પિયતની જરૂર પડે છે. પિયત પાણીની સગવડ મર્યાદિત હોય તો એકાંતરે પાટલે પિયત આપવાથી ઓછા પાણીએ વધારે વિસ્તારમાં પિયત આપી શકાય છે અને આવી રીતે પિયત આપવાથી ભેજનું પ્રમાણ નિયંત્રણમાં રહેવાથી રોગ, જીવાત અને નિંદામણનો ઉપદ્રવ ઓછો રહે છે અને સરવાળે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે.

બીટી કપાસની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ – ભાગ ૩ (BT Cotton Cultivation Part 3):

પાક વૃધ્ધિકારકોની માવજત

કપાસના પાકમાં ભમરી બેસવાની અવસ્થાએ (દિવસ ૪૦-૩૫ પછી) પીપીએમ ૪૫ ( ઈથીલીનનો) છંટકાવ કરવાથી કપાસમાં ભમરી બેસવાનું પ્રમાણે વધશે, જેથી કપાસનુ ઉત્પાદન વધારે મળશે.પીપીએમનો છંટકાવ કરવાથી ૫૦૦ દિવસે મેલીક હાયડ્રેઝાઈડ ૮૫ કપાસના પાકમાં પણ કપાસનુ ઉત્પાદન વધારે મળે છે.નિંદણ નિયંત્રણ વ્યવસ્થા :

કપાસનુ વધુ ઉત્પાદન મેળવવા માટે પાકની શરૂઆતની વૃધ્ધિના ૫૦ થી ૬૦ દિવસ સુધી પાકને નિંદામણથી મુક્ત રાખવો ખુબ જ જરૂરી છે, કારણ કે શરૂઆતની અવસ્થામાં પાકમાં નિંદામણનો ઉપદ્રવ હોય તો પાક સાથે નિંદામણ પણ જમીનમાંથી ભેજ, પોષક તત્વો અને પાકના વિકાસ માટે જરૂરી જગ્યા અને સૂર્યપ્રકાશની હરીફાઈ કરી પાકના વિકાસને અવરોધે છે. જેથી કપાસના શરૂઆતના વિકાસ પર માઠી અસર થાય છે અને સરવાળે ઓછુ ઉત્પાદન મળે છે. આ માટે કપાસના પાકમાં થતા નિંદામણને આંતરખેડ દ્વારા અને હારમા રહેલ નિંદામણને મજુરી દ્વારા નિંદામણ કરી દૂર કરવું જોઈએ. કપાસના પાકમાં નિંદામણના નિયંત્રણ માટે પેન્ડિમીથાલીન નિંદામણનાશક દવા દ્વારા અસરકારક નિંદામણ નિયંત્રણ કરી શકાય છે.

કપાસના પાકમાં આંતરખેડથી, હાથથી તેમજ રાસાયણિક નિંદામણનાશક દવાનો સમન્વય કરી નિંદણ વ્યવસ્થાપન કરવાથી પાકને નિંદામણના ઉપદ્રવથી બચાવી શકાય છે. આમ, કપાસના પાકમાં સંકલિત નિંદણ નિયંત્રણ વ્યવસ્થા માટે કપાસની વાવણી બાદ તુરત જ પેન્ડિમીથાલીન નિંદામણનાશક દવા ૧.૦ કીલોગ્રામ સક્રીય તત્વ ૫૦૦ લીટર પાણીમાં ઓગાળી પ્રતિ હેક્ટરે છંટકાવ કરવો અને ત્યાર બાદ ૨૦ અને ૪૦ દિવસે બે વખત આંતરખેડ અને હાથથી નિંદામણ કરવાથી અસરકારક નિંદણ નિયંત્રણ થઈ શકે છે.

કપાસના પાન લાલ થવા

બીટી કપાસમાં ખાસ કરીને પાન લાલ થવાનો વિકટ પ્રશ્ન ઉદભવ છે, આ અંગેની જાણકારી હોવી ખૂબ જરૂરી છે. પાન લાલ થવાની શરૂઆત પરિપક્વ પાનથી શરૂ થઈ ક્રમશઃ આખા છોડ પર અસર થાય છે. શરૂઆતમાં પાનની કિનારી પીળી પડે છે અને ત્યારબાદ પાનની કિનારી અને પાનની આંતરનસો વચ્ચેની જગ્યા લાલ રંગની થાય છે અથવા તેમાં લાલ રંગના ધાબા પડે છે. પાન કિનારીથી સુકાવા માંડે અને છેવટે અપરિપક્વ અવસ્થાએ ખરી પડે છે. પાન જાડા થતા હોય છે. ફૂલ-ભમરી કે જીંડવા બેસવાની અવસ્થાએ પાન લાલ થતાં હોય ત્યારે નુકશાન વધારે થાય છે જ્યારે જીંડવા બેસી ગયા પછી પાન લાલ થાય તો ઉત્પાદન ઉપર અસર ઓછી જોવા મળે છે. નીચે મુજબના ઉપાયો હાથ ધરવાથી કપાસના પાન લાલ થતાં અટકાવી શકાય છે.

છોડમાં નાઈટ્રોજન તત્વની ઉણપ જોવા મળે તો યુરીયા ખાતરનો ૨% પ્રમાણે છોડ પર એક થી બે છંટકાવ કરવા.

 • ફુલ-ભમરી બેસવાની અવસ્થાએ પોટેશિયમ નાઈટ્રેટનું ૩% દ્રાવણ દસ દિવસના ગાળે ૩ છટકાવ કરવા.
 • મેગનેશિયમ અને બીજા પોષક તત્વો પાણી ભરાઈ રહેવાથી છોડને અલભ્ય બને છે, જેથી વધારાના પાણીનો નિકાલ કરવાથી જમીનમાં રહેલા પોષક તત્વો પાકને મળી શકે છે.

ફુલ-ભમરી બેસવાની શરૂઆત અને જીંડવાના વિકાસની અવસ્થાએ મેગનેશિયમ સલ્ફેટ ૦.૫૧.૦% અને ઝીંક સલ્ફેટ ૦.૫% ના દ્રાવણનો વારાફરતી છોડ પર છંટકાવ કરવો.

કપાસમાં આવતી ચુસિયા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે સમયસર પાક સંરક્ષણના પગલાં લેવા.

આમ, યોગ્ય સમયે અને જરૂરીયાત મુજબના પગલાં લેવાથી કપાસનાં પાન લાલ થતા અટકાવી શકાય અને કપાસના ઉત્પાદન પર થતી માઠી અસર નિવારવાથી ધાર્યું ઉત્પાદન મેળવી શકાય છે.

બીટી કપાસના આગમન સાથે કપાસના ઉત્પાદનમાં ચોક્કસ વધારો થયો છે, સાથે સાથે ઘણી નુકશાન કરતી જીવાતોમાં પણ બદલાવ જોવા મળેલ છે. ચૂસિયાં પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે શોષક પ્રકારની જતુનાશક દવાનો છંટકાવ કરવાથી આ જીવાતોનું નિયંત્રણ થઈ શકે છે. આ માટે એક જ દવાનો છંટકાવ વારંવાર ન કરતાં દર વખતે જુદા જુદા ગ્રુપની જતુનાશક દવાનો છંટકાવ કરવાથી અસરકારક જીવાતોનું નિયંત્રણ કરી શકાય છે.

કપાસની વીણી

કપાસના છોડ પર બધા જ જીંડવા એક સાથે પરિપકવ થઈ ખુલ્લા થતા નથી, પણ અમુક તબક્કામાં થતા હોય છે એટલે પરિપકવ થઈ ખુલ્લા થયેલ જીંડવામાંથી કપાસની વીણી કરવી જોઈએ. પ્રથમ વીણી ૪૦ થી ૫૦% જીંડવા ખુલ્લા થઈ ફાટે ત્યારે જ કરવી. વીણી કરતી વખતે કપાસની ડાળીઓને નુકસાન થવાથી ભાંગી જતી હોય છે અને ડાળીઓ સુકાવાથી તૈયાર થયેલ જીંડવા વહેલા સુકાવાથી કપાસની ગુણવત્તા પર માઠી અસર થાય છે, વીણી વખતે છોડના વિકાસને અસર ન થાય તેવી કાળજી રાખવી જરૂરી છે. બીટી કપાસમાં જીંડવા છોડ પર એક સાથે ઘણી સંખ્યામાં બેસવાથી ત્રણ વીણીમાં લગભગ બધા જ જીંડવા ફાટીને પરિપકવ થતા હોય છે. આમ, વીણી કરતી વખતે કપાસની સાથે કીટી, સુકા પાન અને અન્ય કચરો કે જીવાત ન આવે અથવા ઓછા આવે તેની ખાસ કાળજી રાખવી. કપાસની વીણી વખતે ઝાકળ કે ધુમ્મસ હોય તો વીણી કરેલ કપાસને સૂર્યના તાપમાં સુકવીને સંગ્રહ કરવો જોઈએ. આમ, કપાસની ગુણવત્તા સારી રહેવાથી બજારભાવ સારા મળે છે અને આર્થિક રીતે ફાયદો થાય છે.

ઉત્પાદન

બીટી કપાસની ખેતીમાં આધુનિક સંશોધન આધારીત ભલામણો અપનાવી ખેતી કરવામાં આવે તો ઉત્પાદનમાં ચોક્કસ વધારો મેળવી શકાય છે. બીટી કપાસમાં પિયત, ખાતર અને નિંદણ વ્યવસ્થા માટે પુરતું ધ્યાન રાખવામાં આવે તો હેક્ટરે ૨૫૦૦ કિ.ગ્રા. કરતાં વધુ કપાસનું ઉત્પાદન મળવી શકાય

કપાસમાં ગુલાબી ઇયળનું સંકલિત નિયંત્રણ (Pink Bollworm Control):

ગુજરાતમાં આશરે ૨૬ લાખ હેક્ટર વિસ્તારમાં કપાસ નું વાવેતર થાય છે. કપાસ ની ખેતીમાં વાવણી થી માડીને કાપણી સુધી વિવિધ અવરોધક પરિબળો ભાગ ભજવતા હોય છે. આ પૈકી જીવાતનું નુકસાન એ કપાસમાં મુખ્ય અવરોધક પરીબળ ગણાવી શકાય છે. કપાસમાં નુકસાન કરતી જીવાતો માં મોલોમશી. તડતડીયા, થ્રીપ્સ, સફેદ માખી, પાનકથીરી અને જીંડવા કોરી ખાનારી ઇયળો નો સમાવેશ થાય છે. બીટી કપાસ આવતા ઈયળોનું નુકસાન કપાસમાં નહીવત જોવા મળે છે પરન્તનું વાતાવરણમાં થતા ફેરફાર અને ખેતીમાં આવતા બદલાવ ને લીધે કપાસની પાછલી અવસ્થા એ ગુલાબી ઇયળનું (pink bollworm) નુકસાન જોવા મળે છે. ગુલાબી ઇયળ જીંડવામાં અંદર પેસી જઇને નુકસાન કરતી હોવાથી તેની હાજરીની નોંધ લઇ શકાતી નથી અને એક છુપા દુશમનની માફક નુકસાન કરે છે. આ જીવાતથી ૬૦% જેટલું નુકસાન થઇ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ જીવાતનો ઉપદ્રવ વર્ષે અને વર્ષે વધતો જાય છે. આ જીવાતનાં નિયંત્રણ માટે તેની ઓળખ, જીવનચક્ર અને તેના નુકસાનના પ્રકાર વિષે જાણવુ એ ખુબજ અગત્યનું બની રહે છે.

જીવન ચક્ર અને ઓળખ

આ જીવાત એ પોતાના જીવન કાળ દરમ્યાન જુદી-જુદી ચાર અવસ્થાઓ માંથી પસાર થાય છે.

ઇંડા અવસ્થા: આ જીવાતનાં ઇંડા ચપટા અને લંબગોળ આકારના હોય છે જે કુંમળા પાનની નીચેની બાજૂએ, કપાસની ફૂલ-ભમરી તેમજ કળી અને નાના જીંડવાની રૂવાટી ઉપર એકલ દોકલ અથવા ર થી ૧૦ ની સંખ્યામાં જથ્થામાં મૂકાતા હોય છે. ઇંડા અવસ્થા ૪ થી ૬ દિવસની હોય છે.

ઇયળ અવસ્થા: નાની અવસ્થાની ઈયળ પીળાશ પડતા સફેદ રંગની અને કાળા માથાવાળી હોય છે. જ્યારે મોટી ઈયળ ગુલાબી રંગની હોય છે.

કોશેટો અવસ્થા: આ જીંવાતનો કોશેટો આછા બદામી રંગનો હોય છે. ઇયળની છેલ્લી અવસ્થા જીંડવામાં રહેલા બે બીજ એક બીજા સાથે ભેગા કરી તેમાં કોશેટો બનાવે છે અને તેમાથી લગભગ ૬-૨૦ દિવસે ગુલાબી ઇયળનુ પુખ્ત બહાર આવે છે.

પુખ્ત અવસ્થાઃ ફૂદી ઘાટા બદામી રંગની અને આગળની પાંખો ઉપર કાળા ટપકાં હોય છે જયારે પાછળની પાંખોની ધારો ઉપર વાળની ઝાલર હોય છે. નર અને માદા ફૂદીનો જીવનકાળ અનુક્રમે ૧૫ અને ૨૦ દિવસનો હોય છે. કપાસનો પાક પુરો થવાના સમયે છેલ્લી પેઢીની ઇયળો સુષુપ્ત અવસ્થા ધારણ કરે છે અને કયારેક બે વર્ષ સુધી સુષુપ્ત અવસ્થામાં રહે છે. પાકની અવધી દરમ્યાન આ જીવાતની કેટલી પેઢીઓ થવી અને ઇયળની સુષુપ્ત અવસ્થા ધારણ કરવી તેનો આધાર કપાસના બીજમાં રહેલા તેલનું પ્રમાણ, વાતાવરણનુ તાપમાન અને ભેજનાં ટકા ઉપર આધારિત છે. સામાન્ય રીતે આ જીવાત વર્ષ દરમ્યાન ૪-૬ પેઢીઓ થતી હોય છે. કોશેટામાંથી ફૂદીઓ મે-જૂન અને જુલાઇઓગષ્ટમાં બહાર આવે છે. મે-જૂનમાં નીકળતી મોટા ભાગની કૂદીઓ ઇંડા મૂકતી નથી. પરંતું જુલાઇ-ઓગષ્ટમાં નીકળતી ફૂંદીઓ ઇંડા મૂકીને વધુ નુકસાન કરે છે. આમ, જીવાતનું સંપૂર્ણ જીવન ચક્ર સામાન્ય રીતે ૨૨-૭૭ દિવસનું હોય છે. પરંતુ પાક પુરો થયા બાદ ઇયળો સુષુપ્ત અવસ્થામાં જતાં તેનું જીવન ચક્ર લગભગ ૧૩ થી ૧૩.૫ મહિના સુધીનું હોય છે.

નુકસાન

આ જીવાતનો ઉપદ્રવ એ છોડમાં કળીઓ અને ફૂલ બેસવાની શરુઆત થાય ત્યારે થતો હોય છે. ઘણી વખત ઉપદ્રવિત ફૂલની પાંખડીઓ એકબીજા સાથે ભીડાઇ જઇ ગુલાબના ફૂલ જેવા આકારમાં (રોસેટ) ફેરવાઇ જાય છે. ઇંડામાંથી નીકળી ઇયળ નાનું કાણું પાડી ફૂલ, કળી અથવા નાના જીંડવામાં દાખલ થાય છે. સમય જતા ઇયળે પાડેલ કાણું કુદરતી રીતે પુરાઇ જાય છે. આ ઇયળથી ઉપદ્રવિત નાના જીંડવા, ભમરી, ફૂલ ખરી પડતા હોય છે. ઇયળ જીંડવાની અંદર દાખલ થઇ રુ તેમજ બીજને નુકસાન કરે છે. ઘણીવાર એક કરતાં વધુ ઇયળ એક જ જીંડવામાં જોવા મળે છે. બીજની આજુબાજુનું રુ પીળું પડી જાય છે. જીવાતના નુકસાનથી ઉત્પાદન પર માઠી અસર પડે જ છે. પરંતુ તેની સાથે સાથે રુની ગુણવત્તા, કપાસના બીજમાં તેલના ટકા અને બીજની સ્કુરણશક્તિ ઉપર અવળી અસર પડતી હોય છે. પરિણામે જીનીંગમાં પણ ધટાડો જોવા મળે છે.

બીટી કપાસ માં પાકનાં ગુલાબી ઇયળનો ઉપદ્રવ વધવાના કારણો

આ જીવાત જીંડવામાં રહીને નુકસાન કરતી હોવાથી કીટનાશી દવા ઇયળ સુધી પહોંચી શકતી નથી. આ જીવાતનું નુકસાન જીંડવા અંદર થતું હોવાથી ખેડૂતો નુકસાનને જોઇ શક્તા નથી અને તેના માટે આ જીવાત સામે સજાગતા વિકાસ પામી નથી. ખેડૂતો મોટે ભાગે પાકની પાછલી અવસ્થાએ દવા છાંટવાનું બંધ કરતા હોય છે અને આ જીવાતનો ઉપદ્રવ પાકની પાછળની અવસ્થામાં વધારે રહેતો હોય છે. આ જીવાતના કુદરતી દુશ્મનનો પણ બીજી અન્ય જીવાત કરતા ઘણા ઓછા હોવાથી જૈવિક નિયંત્રણનો કાર્યક્ષમ ઉપયોગ લઇ શકાતો નથી. ખેડૂતો મોટે ભાગે કપાસ પુરો થયેથી તેની કરાઠીઓ ખેતરમાં એક જગ્યાએ બળતણ માટે મુકી રાખે છે. આમ કરવાથી આ જીવાતને અવશેષ પ્રભાવનો લાભ મળે છે. આ જીવાતને લીધે કપાસના ઉત્પાદનમાં નરી આંખે દેખાય તેવુ નુકસાન ઓછું થતુ હોવાથી ખેડૂતો તેના તરફ વધારે ધ્યાન રાખતા નથી. હકીકતમાં આ જીવાતથી કપાસની ગુણવત્તા ઉપર ખુબ જ માઠી અસર પહોચતી હોય છે અને સારા ભાવ મળતા નથી. બીટી જીનની કપાસની પાછોતરી અવસ્થાએ ઓછી અસરકારકતા પણ આ જીવાતનો ઉપદ્રવ વધતો હોવનું કારણ ગણાવી શકાય છે. પાછલી આવસ્થાએ કપાસ લોઢવાના જીન ચોમાસા સુધી ચાલુ રહેતા હોવાથી તેની આજુબાજુનાં ખેતરમાં આ ઇયળની શરુઆત ખુબ જ વહેલી થઇ જતી હોય છે. જીનીંગ દરમ્યાન નિકળેલ વધારાના કપાસિયામાં આ જીવાત સુષુપ્ત અવસ્થામાં રહે છે અને નવા વાવેતરમાં ફૂલ-ભમરી અને જીંડવા શરુ થતાં તેનો ઉપદ્રવ શરુ થતો હોય છે.

સંકલિત નિયંત્રણ

 • કપાસની કરાઠીઓને બને ત્યાં સુધી બાળીને નાશ કરવાનો આગ્રહ રાખવો અથવા પાક પુરો થાયા પછી કરાઠીઓને રોટાવેટર દ્વારા જમીનમાં ભેળવી દેવી.
 • અગાઉ પુરા થઇ ગયેલા કપાસના ખેતરમાં ખરી પડેલા ફૂલ, કળીઓ, જીંડવા ભેગા કરી બાળીને નાશ કરવા.
 • કપાસની છેલ્લી વિણી પછી ખેતરમાં ઘેટાં બકરાં ચરાવવા માટે છુટ્ટા મૂકી દેવા. આમ કરવાથી ઘેટાં બકરાં કપાસના છોડ ઉપરની ઉપદ્રવિત કળીઓ, ખુલ્યા વગરના જીંડવા તેમજ અપરિપવ ફુલ ચરી જતા હોય છે અને ગુલાબી ઇયળના અવશેષો ઓછા થાય છે.
 • આગલા વર્ષના કપાસનું જીનીંગ બીજા વર્ષની કપાસની વાવણી પહેલા પુરુ કરવું જોઈએ. જીનમાં પ્રોસેસીંગની કામગીરી પુરી થયા બાદ પડી રહેલ કચરાને બાળી નાશ કરવાથી સુષુપ્ત અવસ્થામાં રહેલી ઇયળો નાશ પામે છે.
 • જીનીંગ ફેક્ટરીમાં તથા તેની આસપાસ ગુલાબી ઇયળના નર કૂદાને સમુહમાં પકડીને નાશ કરવા માટે ફેરોમોન ટ્રેપ ગોઠવવા.
 • ઓક્ટોબર માસનાં અંતથી લઈ કપાસની છેલ્લી વિણી સુધી હેક્ટરે ૪૦ પ્રમાણે ગુલાબી ઈયળની કૂદી માટેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. મોજણી અને નિગાહ માટે હેક્ટરે ૫ પ્રમાણે ફેરોમોન ટ્રેપ ગોઠવવા અને આ ટ્રેપમાં સતત ત્રણ દિવસ સૂધી ફેરોમોન ટ્રેપ દીઠ ૮-૯ ફૂદાં પકડાય તો જતુનાશક દવાઓ જેવીકે ક્વીનાલફોસ ૨૫ ઇ.સી. ૨૦ મિ.લી. અથવા ફેનવલરેટ ૨૦ ઇ.સી. ૧૦ મિ.લી. અથવા પોલીટ્રીન સી ૪૪ ઇ.સી. ૧૦ મિ.લી. અથવા એમામેક્ટીન પ ડબલ્યુ.જી. ૨ ગ્રામ અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૪.૫ એસ.એલ. ૧૦ મિ.લી. અથવા ફ્લલ્લુબેન્ડીએમાઇડ ૪૮ એસ.સી. ૩ મિ.લી અથવા નોવાલાયુરોન ૧૦ ઇ.સી. ૨૦ મિ.લી. અથવા ક્લોરાટ્રેનીલીપ્રોલ ૨૦ એસ.સી ૩ મિ. લી. લેખે દસ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. દરેક છંટકાવ વખતે દવા બદલવી.
 • જે વિસ્તારમાં ગુલાબી ઈયળનો વધુ ઉપદ્રવ રહેતો હોય ત્યાં કપાસની વહેલી પાકતી જાતની પસંદગી કરવી. નવેમ્બરના પ્રથમ સપ્તાહની શરુઆતથી હેકટરે ૧.૫ લાખ ટ્રાઈકોગ્રામા ભમરી અઠવાડીયાના ગાળે ૫ વખત અને ડિસેમ્બરના પ્રથમ અને બીજા અઠવાડીમાં હેકટરે ૧૦ હજાર પ્રમાણે લીલી પોપટીની ઈયળો છોડવાથી જૈવિક નિયંત્રણનો લાભ લઇ શકાય.

બીટી ક્પાસનું (BT Cotton) ઉત્પાદન વધારવા માટે ખાતરનું આયોજન:

ગુજરાતમાં કપાસ નો પાક ખેડુતો માટે આગવું સ્થાન ધરાવે છે. આજે મોટાભાગના વિસ્તારમાં બીટી (BT Cotton) જાતોનું વાવેતર કરવામાં આવે છે. બીટી જાતોના આગમન પછી કપાસની ઉત્પાદકતામાં ખાસો વધારો થયેલ છે. બીટી કપાસના વધારે ઉત્પાદન માટે ખાતરનો યોગ્ય ઉપયોગ કરવો જરૂરી છે. જુદા જુદા પ્રકારની જમીનમાં ખાતરની જરૂરિયાત જુદી હોય છે.

કપાસના પાકને પોષણ અને વૃદ્ધિ માટે ૧૭ થી ૧૮ પોષક તત્ત્વોની જરૂરિયાત પડે છે. જે પૈકી નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશિયમ તત્વોની જરૂરિયાત બહોળા પ્રમાણમાં રહે છે, જે દર વર્ષે ખાતરના રૂપમાં પૂર્તિ કરવી પડે છે. આ તત્ત્વોને મુખ્ય પોષક તત્ત્વો કહેવામાં આવે છે, જયારે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ગંધકને ગૌણતત્ત્વો કહેવાય છે. તેમની જરૂરિયાત મુખ્યતત્ત્વો કરતાં ઓછી હોય છે. આ ઉપરાંત લોહ, મેગેનીઝ, ઝીંક, તાંબુ, બોરોન જેવા તત્ત્વોની જરૂરિયાત પણ પડે છે, પરંતુ તેની જરૂરિયાત ઘણી જ ઓછી માત્રામાં હોવાથી તેમને સુક્ષ્મતત્વો કહેવામાં આવે છે, પણ તેમનું મહત્વ પાક-ઉત્પાદનમાં ઘણું હોય છે. કોઈપણ પાકને જરૂરિયાત મુજબ બધા જ પોષક તત્વો પુરતા પ્રમાણમાં મળવાથી તેનો વિકાસ સારો થાય છે અને સરવાળે વધુ ઉત્પાદન મળે છે, પરંતુ પાકને સંતુલિત પોષણ પુરતા પ્રમાણમાં ના મળે તો ઉત્પાદનમાં ૨૦ થી પ૦ ટકા સધી ઘટાડો થાય છે.

બીટી કપાસ નું પુષ્કળ ઉત્પાદન લેવા માટે ની રીતો અને માવજત ની પદ્ધતિ..

ભલામણો

 • કપાસ નો પાક ચોમાસુ ઋતુમાં લેવામાં આવે છે અને પાકનો જીવનકાળ લાંબો વાનસ્પતિક વ્રુધ્ધિ,ફુલ ભમરી બેસવા, ફૂલ ખીલવા તેમજ જીડવા બેસવા આ જીડવાના વિકાસની અવસ્થાએ ખાતરની જરૂરિયાત વધારે હોય છે, તેથી આ અવસ્થાઓએ ખાતર આપવાથી પાકનો વિકાસ સારો થાય છે અને કપાસમાં ફુલ ભમરી અને જીંડવા કદ વધવાથી સરવાળે કપાસનું વધુ ઉત્પાદન મળે છે.
 • બીટી કપાસમાં જીંડવા એક સાથે વધારે બેસવાથી જીંડવાના પુરતા વિકાસ માટે પાછળથી અવસ્થાએ નાઈટ્રોજન તત્વની જરૂરીયાત વધુ રહેતી હોય છે. તેથી આ સમયે નાઈટ્રોજનયુકત ખાતરનો હપ્તો ખાસ પૂર્તિ ખાતરના રૂપમાં આપવો જોઈએ.
 • કપાસ ને વાવેતર પહેલા ચાસમાં હેકટરે ૧૦ ટન પ્રમાણે છાણિયું ખાતર આપવું.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here