કચ્છી મેવા તરીકે દુનિયાભરમાં જાણીતી ખારેકના ઉત્પાદનમાં ચાલુ વર્ષે 25 ટકા જેટલો વધારો થતા ખેડૂતોમાં ખુશખુશાલ થઇ ગયા છે. કચ્છી ખારેકની દેશ-વિદેશમાં ભારે માંગ રહેતી હોવાથી ખેડૂતો પણ ખારેકની ખેતી તરફ વળી રહ્યા છે. મબલખ ઉત્પાદનને કારણે ચાલુ વર્ષે ખારેકના વેચાણથી અંદાજે 350 કરોડનો વેપારની શક્યતા છે.

ખારેક માટે દુનિયાભરમાં પ્રખ્યાત કચ્છમાં ચોમાસુ ખેંચાતા ચાલુ વર્ષે ખારેકના ઉત્પાદનમાં ભારે વધારો થયો છે. ચોમાસું મોડું હોવાના કારણે દર વર્ષે ભેજના કારણે ખારેકને થતું નુકશાન આ વર્ષે થયું નથી. પરિણામે ખારેકના ઉત્પાદનમાં ૨૫ ટકા જેટલો વધારો થયો છે. કચ્છમાં 18 હજાર હેકટરમાં ખારેકનું વાવેતર કરાયું છે. વેપારીઓના અંદાજ મુજબ ચાલુ વર્ષે પોણા બે લાખ મેટ્રીક ટન જેટલું ઉત્પાદન થવાની શક્યતા છે. જે અંદાજે 350 કરોડનો વેપાર કરી અપાવશે. કચ્છમાં છેલ્લા પાંચ વર્ષના સમયગાળામાં ખારેકના વાવેતરમાં સાત ટકા જેટલો વધારો થયો છે. કચ્છમાં ઠેકઠેકાણે સ્ટોલ ઉભા કરીને ખારેકનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. સારી ગુણવત્તાવાળી ખારેક 200 થી 250 રૂપીયે કિલોના ભાવે વેચાઈ રહી છે. ગ્રાહકો પણ મધ જેવી મીઠી ખારેક ખરીદવા ભારે ઉત્સાહ દર્શાવી રહ્યા છે.

ભારે ક્ષારવાળા પાણીથી પણ પાકી જતા આ મીઠા ફળ થકી કચ્છના ખેડુતો મબલખ કમાણી કરી રહ્યા છે. કચ્છના ખેડુતોને આર્થિક રીતે સધ્ધર બનાવનાર કેસર કેરી અને દાડમને ઉત્પાદનની બાબતમાં ખારેકે ક્યાંય પાછળ છોડી દીધા છે. કચ્છની ખારેક ગુજરાતના અન્ય જીલ્લાઓમાં અને ભારતના મોટાભાગના રાજ્યો ઉપરાંત વિદેશમાં પણ પહોંચે છે. પ્રગતિશીલ ખેડુતો હાલમાં ખારેકની નિકાસ કરવામાં વ્યસ્ત છે. ચાલુ વર્ષે મબલખ ઉત્પાદનના કારણે ખેડુતો ખુશી વ્યકત કરી રહ્યા છે.

કચ્છમાં ખારેકના વાવેતરમાં દર વર્ષે થતો વધારો ખારેકની ખેતીના ઉજ્જવળ ભવિષ્યના સંકેત આપે છે. સરકાર ખારેકની ખેતી કરતા ખેડુતોને સબસિડી આપે છે પરંતું સબસિડીની રકમ વધારવામાં આવે તો વધુ ને વધુ ખેડુતો ખારેકની ખેતી તરફ વળશે તેમ ખેડૂતોનું માનવું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here