– સામાન્ય રીતે મણદીઠ ૭૦૦-૮૦૦એ વેચાતો કપાસ ૧૨૫૦ સુધી પહોંચ્યો

– ૬પ લાખ ગાંસડીની ધારણા સામે ૬૭ લાખ ગાંસડીની નિકાસ થઈ ગઈ!

વૈશ્વિક બજારમાં કપાસની માગ નિકળતા ગુજરાતમાં કપાસના ભાવમાં અકલ્પનીય ઉછાળો આવ્યો છે. કોઈએ કદાચ ધારણા પણ નહીં કરી હોય તેમ હાલ કપાસનો ભાવ મણદીઠ વધીને રૃ.૧રપ૦ થઈ ગયો છે. સામાન્ય રીતે કપાસનો ભાવ રૃપિયા ૭૦૦-૮૦૦ રહેતો હોય છે. જો આવી જ સ્થિતિ રહેશે તો કપાસનો ભાવ હજુ વધીને રૃ.૧૪૦૦ની સપાટી વટાવશે! તેવો આશાવાદ બજારમાં સેવાઈ રહ્યો છે. અલબત, હાલ ભાવમાં ભલે ઉછાળો આવ્યો હોય, પરંતુ માંડ ૮-૧૦ ટકા ખેડૂતો પાસે જ કપાસ પડયો છે. છેલ્લા એક પખવાડિયામાં રૃ.બે હજારના વધારા સાથે કપાસની ગાંસડીનો ભાવ રૃ.૪૭,રપ૦ થઈ ગયો છે (એક ગાંસડી એટલે ૧૮૦ કિલોગ્રામ).

બજારમાંથી એક તરફ વિશ્વકક્ષાએ કપાસની માગ વધી છે, તો બીજી તરફ બજારમાં સારી ગુણવત્તાનો માલ નથી. પરિણામે ચોમાસુ સિઝન પુરી થાય અને નવા માલની આવક ન થાય ત્યાં સુધી એટલે કે આગામી ચાર માસ કપાસના ભાવ ઉંચા જશે. બજારમાં નવી આવક શરૃ થતા જ ભાવમાં ઘટાડો થવા માંડશે. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં મગફળી છોડીને ખેડૂતો કપાસ વાવતા થયા છે. ઉત્તરોત્તર કપાસ વાવનારા ખેડૂતોની સંખ્યા વધી રહી છે. પરિણામે કપાસ એ ગુજરાત માટે અત્યંત મહત્ત્વનો પાક બની ગયો છે. તેના ભાવમાં વાધારો-ઘટાડો થાય તેની અસર ગુજરાતના લાખો ખેડૂતોને થયા વગર રહેતી નથી.

કપાસના ભાવ વધારાના કારણો આપતા બજાર નિષ્ણાંતો જણાવે છે કે, સૌપ્રથમ તો ટેક્ષટાઈલ્સ મીલોની માગમાં ૪ ટકાનો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ સામાન્ય રીતે ચીન દ્વારા બે-ત્રણ વર્ષનો સ્ટોક રાખવામાં આવતો હોય છે. તેના બદલે ચીનમાં એક જ વર્ષનો સ્ટોક બચ્યો હોવાના અહેવાલો આવ્યા છે. આ ઉપરાંત ભારતમાં સૌથી વધુ અને પહેલા જ્યાં કપાસનું વાવેતર થાય છે, તેવા પંજાબ અને હરિયાણામાં ગુલાબી ઈયળ, સફેદ માખી, સિંચાઈ સહિતના પ્રશ્નોના કારણે કપાસના પ્રાથમિક વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો છે.

આવા વિવિધ પાસાઓના કારણે કપાસનો ભાવ વધ્યો છે. વળી, દેશમાંથી ૬પ લાખ ગાંસડીની નિકાસની સંભાવના હતી, તેની સામે અત્યાર સુધીમાં ૬૭ લાખ ગાંસડીની નિકાસ થઈ ગઈ છે. એટલે કે નિકાસ ધારણા કરતા વધુ થઈ છે. ચાલુ વર્ષના વાવેતર ઉપર નજર કરીએ તો ૧ જૂન સુધીમાં દેશમાં ૯.૯૬ લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જે ગત વર્ષે ૧ર.૧૮ લાખ હેક્ટરમાં હતું. એટલે કે વાવેતર ઓછુ થતા આગામી વર્ષે ઉત્પાદન પણ ઓછુ થવાની ધારણા છે. નિષ્ણાંતોના મતે દેશમાં આ વર્ષે કપાસનું વાવેતર ૧૦ ટકા ઘટે તેવી સંભાવના છે. આવા વિવિધ કારણોના લીધે સિઝનની શરૃઆતમાં કપાસના ભાવ રૃ.૭પ૦-૯૦૦ હતાં, જે વધીને આજે રૃ.૧રપ૦ વટાવી ગયા છે. ખેડૂતોએ લાલચમાં આવ્યા વગર સમજી-વિચારીને વાવેતર કરવું ગુજરાતમાં ખરીફ સિઝનમાં કપાસનું સૌથી વધુ વાવેતર થાય છે.

હાલના રૃ.૧રપ૦ ભાવ જોઈને લાલચમાં આવ્યા વગર ખેડૂતોએ સમજી-વિચારીને કપાસનું વાવેતર કરવું હિતાવહ છે. સારા ભાવ અને સારા ચોમાસાના અનુમાનને લઈને કપાસના વાવેતરમાં વધારો થાય તે સ્વાભાવિક છે. પરંતુ સામાપક્ષે ગુલાબી ઈયળ જેવા રોગ-જીવાત આવવાની એટલી જ શક્યતા છે. વળી ગુજરાતમાં ઉત્પાદન તૈયાર થઈને બજારમાં આવતા જ હાલના ઉછળેલા ભાવો તરત દબાઈ જશે. માટે સમગ્ર પાસાઓનો વિચાર કર્યા બાદ જ ખેડૂતોએ કપાસના વાવેતરનો નિર્ણય કરવો જોઈએ.

કપાસના ભાવમાં આવેલા ઉછાળાના કારણો

– નવી સિઝનમાં ચાઈનાની ખરીદી નિકળવાની આશા

– પંજાબ-હરિયાણામાં ઘટેલુ પ્રાથમિક વાવેતર

– વૈશ્વિક સ્તરે ટેક્ષટાઈલ મીલોની માગમાં ૪ ટકાનો વધારો

– ભારતમાં વૈશ્વિકકક્ષાએ નીચા ભાવ

– ડોલર સામે રૃપિયાની નબળી સ્થિતિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here