હરિતક્રાંતિ બાદ રાસાયણિક જંતુનાશકોનો ખૂબ જ વધુ પ્રમાણમાં અને આડેધડ ઉપયોગ થતો આવ્યો છે પરિણામે જંતુઓમાં પ્રતિકારકતા, વસ્તી વિસ્ફોટ અને વાતાવરણમાં રાસાયણિક કીટનાશકોના અવશેષો એ પૃથ્વીની આબોહવા ઉપર ખૂબજ માઠી અસર પહોંચાડે છે. સીતાફળ એ સ્વાદિષ્ટ ફળની સાથે સાથે એક ઉપયોગી કીટનાશક (insecticide) પણ છે.  સીતાફળના બીજ, પાંદડા, છાલ અને મૂળમાં રહેલા રાસાયણિક તત્વો ખૂબ અસરકારક જંતુનાશક ગુણધર્મ ધરાવે છે. સીતાફળના બીજમાં એસિટોજેનીન નામનો પદાર્થ હોય છે જે કીટનાશક, ચેતાતંત્ર, મેદકારક, જીવાણુનાશક વગેરે ગુણધર્મો ધરાવે છે. આ ઉપરાંત સીતાફળના પાનનો અર્ક વિવિધ પ્રકારના ઉત્સચકને સક્રિયતા બક્ષતાં છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે જેના પરિણામે ઉત્પાદનમાં પણ વધારો જોવા મળે છે.

ભારતમાં ૩૦,૦૦૦ એકરમાં સીતાફળની ખેતી થાય છે અને કુદરતી રીતે પણ તે જંગલવાડો વગેરેમાં જોવા મળે છે જેમાંથી ૨,૨૮,૦૦૦ મેટ્રિક ટન જેટલું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં ૫,૩૪૦ હેકટરમાં સીતાફળની ખેતી થાય છે જેમાંથી પ૫,૦૪૦ મેટ્રિક ટન જેટલું ઉત્પાદન મળે છે જે આખા ભારતમાં સૌથી વધુ છે. તેથી ગુજરાતમાં સીતાફળની આડપેદાશનો ઉપયોગ કરવાની ખુબ જ સારી એવી તકો રહેલી છે.

સીતાફળના બીજનો અર્ક બનાવવાની પદ્ધતિ

સીતાફળના ત્રણ કિલો પરિપકવ બીજને વાટીને ભૂકો કરવો. ભૂકાને મલમલના કાપડમાં બાંધીને પોટલી બનાવવી. ત્યારબાદ તેને ૧૦ લિટર પાણીમાં સંપૂર્ણપણે ડૂબેલી રહે તે રીતે ૨૪ કલાક માટે રાખવી. ત્યારબાદ પોટલીને કાઢ્યા બાદ તેને દબાવીને નીચોવવી. આ ૧૦ લિટર પાણીમાં બીજુ ૯૦ લિટર પાણી ઉમેરીને ૧૦૦ લિટરનું દ્રાવણ બનાવવું. દ્રાવણને ખેતરમાં ઉપયોગ કરતા પહેલાં તેમાં કપડા ધોવાના પાઉડરને ૫ મિ.લિ. પ્રતિ એક લિટર પાણી પ્રમાણે ઉમેરીને છંટકાવ કરવો. સીતાફળના પાંદડામાં ટ્રીલીન અને કેટલાક આઈસોક્વીનોલીન આલ્કલોઈડ હોય છે જે કીટનાશક છે અને જંતુઓમાં ખાવામાં અરુચિ પેદા કરી અસર કરે છે.

સીતાફળના પાંદડાંનો અર્ક બનાવવાની પધ્ધતિ

સીતાફળના પરિપકવ ૨ કિલો પાંદડાંને ૧૦ લિટર પાણીમાં અડધા કલાક સુધી ઉકાળવા. તે સમયે સમયે હલાવતા રહેવું, ત્યારબાદ અર્કને ઠંડુ પડવા દેવું અને કાપડ વડે ગાળી દેવું. જે અર્ક નીકળ્યો હોય તેમાં ૧૦૦ ગ્રામ પ્રમાણે કપડા ધોવાનો પાઉડર ઉમેરવો. આ પ્રક્રિયા કરતી સમયે મોઢે માસ્ક પહેરવો હિતાવહ છે. આ ૧૦ લિટરના દ્રાવણમાં બીજુ ૯૦ લિટર પાણી ઉમેરી ૧૦૦ લિટરનું દ્રાવણ તૈયાર કરવું અને સાંજના સમયે એક એકરમાં છંટકાવ કરવો. દ્રાવણ બનાવ્યા બાદ તુરત જ ઉપયોગ કરવો. દ્રાવણને સંગ્રહ કરવાનું ટાળવું.

સીતાફળને કીટનાશક તરીકે ઉપયોગ કરતા તે સંગહિત અનાજની જીવાતો ચોખાનું ચાચવું, રાતા સરસરીયા, ચોખાનું ફૂદુ, ઘઉંની વાતરી અને કઠોળના ભોટવા વગેરે અને ખેતરની જીવાતો, પાન કોરી ખનાર ઈયળ, લીલી ઈયળ, કાતરા, મોલો, હીરા ફૂદું વગેરે. એમ બન્ને ઉપર ખૂબજ સારી ઝેરી અસર જોવા મળી છે.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here