ટામેટા (Tomato) ગુજરાતના ખેડુતો માટે શાકભાજીમાં એક મહત્વનો પાક છે જે સામાન્ય રીતે ચોમાસુ, શિયાળા અને ઉનાળા એમ ત્રણે રૂતુમાં ઉગડવામાં આવે છે. ટામેટાના પાક્ને ગરમ અને ભેજવાળું હવામાન માફક આવે છે. સરાસરી 21 ડિગ્રી સે. થી 23 ડિગ્રી સે. જેટલા ઉષ્ણતામાને પાક સારો થાય છે. વધુ વરસાદ વાળા વિસ્તારોમાં ટામેટાનો ચોમાસુ પાક સફળતાપૂર્વક લઈ શકાતો નથી.

જાતો

ગુજરાત ટામેટી – 1 : ટામેટાની આ જાત અનિયંત્રિત વ્રૂધ્ધિવાળી જાત છે. જેના ફળ મધ્યમ ક્દનાં ચાર ખાંચાવાળા, આકર્ષક લાલ રંગના હોય છે. પાનનો કોક્ડવા અને સુકારા જેવા રોગો સામે પ્રતિકારકતા ધરાવે છે. પ્રતિ હેકટરે 27 ટન જેટલું સરેરાશ ઉત્પાદન આપે છે.

ગુજરાત ટામેટા – 2: ટામેટાની આ નિયંત્રિત વ્રૂધ્ધિવાળી જાત છે. આ જાતના ફળો મધ્યમ ક્દનાં, લંબગોળ આકર્ષક ગાઢા લાલ રંગના થાય છે. પાનનો કોક્ડવા અને સુકારા જેવા રોગો અને પાનકોરીયું અને ફળ કોરી ખાનાર ઇયળ સામે પ્રતિકારકતા ધરાવે છે. પ્રતિ હેકટરે 34 ટન જેટલુ સરેરાશ ઉત્પાદન મળે છે.

પુસા રુબી: આ જાતનાં છોડની વાનસ્પતિક વ્રૂધ્ધિ વધુ થાય છે. ફળ મધ્યમ કદનાં બને છેડેથી ચપટા, ગોળાકાર અને પાકે ત્યારે એક સરખાં લાલ રંગના થાય છે. ટામેટાની પુસા અર્લી ડવાર્ફ, મરૂથામ, પુસા-120 જેવી જાતો પણ આશાસ્પદ છે. આ ઉપરાંત રાષ્ટ્રીય ક્ક્ષાએ ગુજરાત માટે અવિનાશ-2, પુસા હાઇબ્રીડ-2, રશ્મી, વૈશાલી અને રૂપાલી જેવી સંકર જાતો વાવેતર માટે ભલામણ કરવામાં આવી છે.

જમીન

ટામેટીના વાવેતર માટે ફળદ્રુપ જમીન પસંદ કરવી જોઇએ. સામાન્ય રીતે સારા નિતારવાળી બેસર, ગોરાડું, મધ્યમ કાળી કે કાંપવાળી જમીનમાં પાક સારો થાય છે.

ધરૂઉછેર

સામાન્ય રીતે ટામેટાનો પાક ચોમાસુ, શિયાળુ અને ઉનાળુ એમ ત્રણે રૂતુમાં ઉગાડવામાં આવે છે. ટામેટાનું વાવેતર પ્રથમ ધરૂ ઉછેરીને ફેરરોપણીથી કરવામાં આવે છે. જે માટે ફેરરોપણીનાં સમયથી એક માસ પહેલા ધરૂવાડિયું તૈયાર કરવું જોઇએ. ધરૂવાડિયામાટે સારા નિતારવાળી ફળદ્રુપ, ભરભરી જમીન પસંદ કરવી. ધરૂવાડિયામાં 3 થી 4 મીટર લાંબા, 1 મીટર પહોળા અને 15 સે.મી. ઊંચાઇના ગાદી ક્યારા બનાવવા. ગાદી ક્યારા ઉપર 10 સે.મી. નાં અંતરે છીછરા ચાસ ઉઘાડવા અને ચાસમાં આછું બીજ વાવી ઝીણી માટીથી ઢાંકવું. બીજને ધરૂવાડીયાં આવતા પહેલાં કાર્બેન્ડેઝીમ દવાનો પટ આપવો ( 3 ગ્રામ/કિલો બીજ) પ્રથમ પાણીથી ઝરાથી આપવું. પાણી આપ્યા બાદ ક્યારાને નાળિયેતી કે ખજૂરીના પાન અથવા ડાંગરના પરાળથી ઢાંકવા. બીજ ઉગવાની શરૂઆત થાય ત્યાં સુધી આ રીતે ક્યારાને ઢાંકેલા રાખવા. ધરૂવાડિયામાં નિયમિત પાણી આપતા રહેવુ. ગાદી ક્યારા બનાવવાથી ધરૂવાડિયામાં પાણીનું નિયમન સારી રીતે કરી શકાય છે.

ફેરરોપણી

ફેરરોપણીનું અંતર કેટલું રાખવું તેનો આધાર જમીનની ફળદ્રુપતા, પસંદ કરેલ જાતની ખાસિયત અને વાવેતરની મોસમ ઉપર રહે છે. ફેલાતી જાતો તથા ફળદ્રુપ જમીન અને સાનુકુળ હવામાનમાં વધારે અંતર રાખવું જ્યારે બટકી જાતો ટુંકા અંતરે વાવવી જોઇએ. સામન્ય રીતે ટામેટાની ફેલાતી જાતોની ફેરરોપણી 90 X 75 સે.મી. નાં અંતરે અને બટકી જાતોની ફેરરોપણી 75 X 60 સે.મી. ના અંતરે કરવામાં આવે છે.

ખાતર

ફેરરોપણી માટે જ્મીન તૈયાર કરતી વખતે હેકટરદીઠ 20 ટન સારું કોહવાયેલું છાણિયું ખાતર જમીનમાં નાખી બરાબર ભેળવવું. ફેરરોપણી સમયે પાયાનાં ખાતર તરીકે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તત્વો દરેક 37.5 કિ.ગ્રા. પ્રતિ હેકટરે આપવા. જ્યારે પૂર્તિ ખાતર તરીકે 37.5 કિ.ગ્રા. નાઇટ્રોજન ફેરરોપણી પછી 45 દિવસે આપવો.

પિયત

ટામેટાના પાક્ને પિયતનો આધાર જમીનનો પ્રકાર, રૂતુ અને પાકની અવસ્થા ઉપર રહે છે. સામાન્ય રીતે 8 થી 10 દિવસે પિયત આપવું જોઇએ. ઉભા પાકમાં પાણીની ખેંચ ઉભી થાય તો ફુલ અને નાનાં ફળો ખરી જાય છે. એ જ રીતે વધારે પડતું પાણી આપવાથી પણ પાક ઉપર માઠી અસર થાય છે. જેથી નિયમિત પ્રમાણસર પિયત આપવું જોઇએ. સામાન્ય રીતે ટામેટાના પાકને જીવનકાળ દરમ્યાન 7 થી 8 પિયતની જરૂરિયાત રહે છે.

ટામેટાની સંકરજાત રૂપાલીમાં ટપક પિયત પધ્ધતિ સાથે શેરડીની પાતરી 20 ટન/હેક્ટર અથવા કાળું પ્લાસ્ટિકનું મલ્ચીંગ (50 માઇક્રોન 80% આવરણ) કરવાની ભલામણ છે. ટપક પધ્ધતિથી 40 ટકા ઉત્પાદન વધુ મળે છે તેમજ ફક્ત મલ્ચીંગથી 28 ટકા વધુ ઉત્પાદન મળે છે. ટપક પધ્ધતિ માટે 4 લિટર/કલાક ક્ષમતા વાળા 120 સે.મી. નાં અંતરે ડ્રિપર ગોઠવી આંતર દિવસે નવેમ્બર – જાન્યુઆરી માસમાં એક કલાક અને ફેબ્રુઆરી – માર્ચ માસમાં દોઢ કલાક પ્રમાણે પિયત આપવું.

ટામેટાના પાકને 37.5 કિ.ગ્રા. નાઇટ્રોજન, 17.7 કિ.ગ્રા. ફોસ્ફરસ અને 31 કિ.ગ્રા. પોટાશ પાણીમાં ઓગાળી શકે તેઆ ખાતરો ટપક પિયત પધ્ધતિ દ્વારા 6 સરખા હપ્તામાં પાંચ દિવસનાં ગાળે ફેરરોપણી બાદ 21 દિવસ પછી આપવું.

નીંદણ નિયંત્રણ

ટામેટાના પાકમાં જરૂરિયાત મુજબ ત્રણ થી ચાર વાર આંતર ખેડ તેમજ હાથથી નિંદામણ કરવું જરૂરી છે. મજુરની અછત હોય તેવા સંજોગોમાં ફેરરોપણી પછી 2 થી 3 દિવસે પેન્ડીમીથાલીન અથવા ફ્લ્યુક્લોરાલીન 1 કિ.ગ્રા. સક્રિય તત્વ 500 લીટર પાણીમાં મિશ્ર કરી પ્રવાહી મિશ્રણ તૈયાર કરી એક હેક્ટર વિસ્તારમાં જ્મીન ઉપર છંટકાવ કરવો અને ત્યારબાદ 45 દિવસે એક વાર હાથથી નિંદામણ કરવાથી અસરકારક નીંદણ નિયંત્રણ કરી શકાય છે.

છોડને ટેકા આપવા

ટામેટાના પાક્માં વધુ અને સારી ગુણવત્તાવાળા ફળો મેળવવા છોડને ટેકા આપવા (ટ્રેઇલીંગ) જરૂરી છે. આ પધ્ધતિમાં ટામેટાના દરેક ચાસમાં 3 થી 4 મીટરનાં અંતરે લાક્ડાનાં થંભા ઉભા કરી દરેક ચાસ ઉપર આ થંભાની સાથે ગેલ્વેનાઇઝ તાર બાંધવામાં આવે છે અને છોડની દરેક ડાળીને પ્લાસ્ટિકની દોરી, સૂતળી અથવા કાપડની પટ્ટીથી બાંધી છોડનાં ઉપરનાં ભાગે લંબાવેલ તાર સાથે બાંધવામાં આવે છે. આ પધ્ધતિમાં છોડને પુરતા પ્રમાણમાં પ્રકાશ મળે છે અને ફળ જમીનને અડતા નથી. જેથી બગાડ અટકે છે તથા તૈયાર થયેલ ફળ વીણવામાં અનુકુળતા રહે છે. આ પધ્ધતિમાં ખેતીમાં ખર્ચ વધારો થાય છે પરંતુ ઉત્પાદન વધુ અને સારી ગુણવત્તાવાળું મળે છે.

લણણી

ટામેટાના પાકની ફેરરોપણી પછી લગભગ અઢી માસે ફળ ઉતારવાલાયક તૈયાર થાય છે. દુરનાં બજારમાટે ટામેટાના ફળ આછાલીલા રંગના પરંતુ સંપુર્ણ વિકસેલ હોય એવા ક્ડક ઉતારવા. સ્થાનિક બજાર માટે સંપૂર્ણ વિકસેલ ગુલાબી રંગના ફળ ઉતારવા. ફલ ઉતાર્યા પછી તેના કદ પ્રમાણે તંદુરસ્ત ફળોના જુદા વર્ગ પાડી બજારમાં મોકલવાથી સારા ભાવ મળે છે. ટામેટાનું હેકટર દિઠ સરેરાશ 35 થી 40 ટન જેટલું ઉત્પાદન મળે છે.

જીવાત

તડતડીયા: બચ્ચાં અને પુખ્ત કીટક પાનની નીચેની બાજુએ રહી રસ ચુસે છે. આ જીવાતનાં નિયંત્રણ માટે ડાયમીથોએટ અથવા મીથાઇલ-ઓ-ડીમેટોન 10 મી.લી. દવા 10 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.

મોલો: પાન તેમજ કુમળી ડાળીઓ પર રહી રસ ચુસે છે. આ જીવાતનાં નિયંત્રણ માટે પણ ડાયમીથોએટ અથવા મીથાઇલ-ઓ-ડીમેટોન 10 મી.લી. દવા 10 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.

લીલી ઇયળ: કાચા લીલા ફળ ખાઇ નુકસાન કરે છે. નિયંત્રણ માટે એન્ડોસલ્ફાન અથવા ક્વીનાલફોસ 20 મી.લી. દવા તેમજ સાયપરમેથ્રીન અથવા આલ્ફામેથ્રીન 4 થી 5 મી.લી. દવા પૈકી કોઇ પણ એક દવા 10 લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.

રોગ

સુકારો: અસરયુક્ત છોડનાં પ્રથમ નીચેનાં પાન ત્યારબાદ ઉપરનાં પાન પીળા પડી છેવટે છોડ સુકાઇ જાય છે. સુકારાના નિયંત્રણ માટે બીજને કાર્બેન્ડેઝીમ દવાનો પટ આપી વાવણી કરવી (3 ગ્રામ/1 કિ.ગ્રા. બીજ) છોડ ફરતે જમીનમાં કાર્બેન્ડેઝીમ (10 ગ્રામ/10 લીટર પાણી) દવાનું દ્રાવણ રેડવું.

કોક્ડવા: પાન નાના આછા લીલા રંગના થઇ કોક્ડાઇ જાય છે. થડની આંતરગાઠો વચ્ચેનું અંતર ઘટતા છોડ વામણો રહે છે. રોગની શરૂઆત થતાં રોગિષ્ટ છોડ જોવા મળે એટલે તુરંત જ ઉપાડી નાશ કરવો. રોગનો ફેલાવો કરતાં કીટકોના નિયંત્રણ માટે શોષક પ્રકારની જંતુનાશક દવાનો છંટકાવ કરવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here