શાકભાજીમાં સરગવાની શીંગ વિશિષ્ટ સ્થાન ઘરાવે છે. સરગવો અને બહુવર્ષાયુ અસંખ્ય નાના નાના પાન ઘરાવતું, આઠથી દશ મીટર ઊંચું, શાખાવાળું, સદાપણી ઝાડ છે. જે મોરોંગેસી કૂળનું ઉપયોગી ઝાડ છે. અંગ્રેજીમાં તેને ડ્રમસ્ટિક (Drumstick) તરીકે ઓળખાય છે. દક્ષિણ ભારતમાં કેરાલા, તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશમાં તેની શીંગોનો વપરાશ ખૂબ જ બહોળા પ્રમાણમાં થાય છે. સરગવાની શીંગોમાં વિટામિન ‘બી’ અને ‘સી” ભરપૂર પ્રમાણમાં હોય છે. શીંગોમાં કાર્બોહાઈટ્રેટ્સ ૩.૭%, પ્રોટીન ૨.૫% તેમજ વિપુલ પ્રમાણમાં ખનીજ તત્વો રહેલા છે. આ ઉપરાંત મૂળ, ફૂલ અને છાલમાં પણ ઔષધીય ગુણ સમાયેલા છે. વિશેષમાં સરગવાની શીંગના માવામાં દીપન ગુણને કારણે મંદાગ્નિમાં, સંધિવા, શરીરનું અકડાઈ જવું, પક્ષાઘાત, અનામત, સોજા, પથરી તેમજ ચામડીના રોગોમાં રાહત આપે છે. હેડકી અને શ્વાસની બિમારીમાં સરગવાના પાનનો રસ રાહત આપે છે. આમ સરગવો શાકભાજી તરીકે ખૂબ જ ઉપયોગ સાબિત થયેલ છે. સરગવાની શીંગનું શાક તથા કઢી, પાન અને ફૂલની ભાજી રૂપે, મૂળ અથાણા રૂપે, રસમ, દાળ વગેરેમાં વપરાય છે.

ગુજરાતમાં વડોદરા, આણંદ, ખેડા, સાબરકાંઠા અને મહેસાણા જીલ્લામાં સરગવાની ખેતીનો (Drumstick cultivation) વ્યાપ દિવસે દિવસે વધતો જાય છે. કિચન ગાર્ડનમાં સરગવાનું સ્થાન નિશ્ચિત રૂપે જોઈ શકાય છે. સરગવાની આધુનિક ખેતી પદ્ધતિ માટે અગત્યના મુદ્દા આ પ્રમાણે છે.

જમીન

સરગવો સામાન્યત: દરેક જગ્યાએ થાય છે, પરંતુ રેતાળ તથા ગોરાડુ ફળદ્રુપ જમીન ખૂબ જ અનુકૂળ છે. સામાન્ય રીતે શેઢાપાળાની પડતર જમીન, મધ્યમ કાળી, બેસર પ્રકારની સારા નિતારવાળી જમીન અનુકૂળ છે. જમીનમાં સેન્દ્રિય તત્વો વધુ પ્રમાણમાં હોય તો વધુ માફક આવે છે. સરગવો નદી-ઝરણાંની રેતાળ જમીનમાં પણ ઉગાડી શકાય છે.

હવામાન

ગરમ અને ભેજવાળુ સમશીતોષ્ણ હવામાન ખૂબ જ અનુકૂળ છે. વધુ પડતી ગરમી કે ઠંડી ઝાડની વૃદ્ધિ અને વિકાસને અવરોધે છે.

વાવેતર

સરગવાનું વાવેતર બીજ તથા પાકટ મધ્યમ જાડાઈના (૧.૫ થી ૨.૦ ઈચ) કટકા તથા ઢાલાકાર આંખ કલમથી થાય છે.

સુધારેલી જાતો

(૧) પી.કે.એમ.-૧ ; તામિલનાડુ કૃષિ યુનિ. કોઈમ્બતુર દ્વારા ભલામણ કરેલ જાત છે. વાવણી બાદ છ માસ પછી શીંગો ચાલુ થાય છે જે ૬૫ થી ૭૦ સે.મી. લંબાઈની, ગાઢા લીલા રંગની, મધ્યમ જાડાઈની હોય છે. અંદાજીત પ0 થી ૬૦ કિલોગ્રામ ઝાડ દીઠ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ઘરાવે છે.

(૨) કોંકણ રૂચિરા : કોંકણ કૃષિ વિદ્યાપીઠ, દાપોલી દ્વારા તૈયાર કરેલ જાત છે. આ જાતની શીંગો લીલા રંગની, વધુ ગર્ભ ઘરાવતી ૫૦ થી ૫૫ સે.મી. લાંબી, સ્વાદિષ્ટ છે. અંદાજીત ૪૦ કિ.ગ્રા. પ્રતિ વર્ષ ઝાડ દીઠ ઉત્પાદન આપે છે.

(૩) જાફના : આ જાતની શીંગો ૭0 થી ૯0 સે.મી. લંબાઈની, પોચા ગર્ભવાળી, સ્વાદિષ્ટ હોય છે. અંદાજીત ૪૦ કિ.ગ્રા. પ્રતિ ઝાડ વાર્ષિક ઉત્પાદન આપે છે.

(૪) લોકલ (સ્થાનિક) : આ ઉપરાંત રાજ્યમાં વિસ્તાર પ્રમાણે સ્થાનિક જાતોની ખેતી થાય છે.

લીલો સરગવો:સૌરાષ્ટ્રના જૂનાગઢ, પોરબંદર વિસ્તાર.

કારેલીયો સરગવો ઃ ભાવનગર વિસ્તાર

ટૂકો સરગવો : ઓડ, મહીંકાંઠાના વિસ્તાર માટે, શીંગો ભરાવદાર, જાડાઈ ઘરાવતી ૩૦ થી ૪૦ સે.મી. લંબાઈ હોય છે. ખૂબ જ સ્વાદિષ્ટતા ધરાવે છે.

રોપણી

સામાન્ય રીતે ઉનાળામાં ૪૫ સે.મી. x ૪૫ સે.મી. x ૪૫ સે.મી.ના ખાડા ૬ મીટર x ૬ મીટરના અંતરે તૈયાર કરવા. તેને સારા કહોવાયેલા છાણિયા ખાતર તેમજ ઊઘઈ નિયંત્રણ માટે પેરાથિયોન ડસ્ટ ૩૦ ગ્રામ ખાડા દીઠ છાણિયા ખાતર સાથે ભલામણ કરેલ રાસાયણિક ખાતર મિશ્રણ કરી ખાડા પૂરવા. ચોમાસાની શરૂઆત અગાઉ એપ્રિલ-મે માસમાં તૈયાર કરેલ રોપા કે કટકા કલમને રોપી, તુરત જ પિયત આપવું. જરૂરત પડે રોપાને લાકડી અગર વાંસનો ટેકો આપવો.

રાસાયણિક ખાતર

રોપણી સમયે પાયામાં ખાડા દીઠ ૧00 ગ્રામ ડીએપી અને ૧00 ગ્રામ પોટાશ છાણિયા ખાતર સાથે આપવું.

પૂર્તિ ખાતર

રોપણી બાદ ત્રણ માસે પ૦:૨૫:૨૫ ગ્રામ/છોડ દીઠ નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ યુક્ત ખાતર થડની આજુબાજુ ૩૦ થી ૪૫ સે.મી.ના અંતરે રીંગ કરી જમીનમાં આપી ગોડ કરવી. ત્યારબાદ છ માસે પ0 ગ્રામ નાઈટ્રોજન / છોડ દીઠ આપવો જોઈએ.

પિયત

ચોમાસામાં વરસાદ ખેંચાય તો જરૂરત મુજબ હળવું પાણી આપવું. ફૂલ બેસતી વખતે અને શીંગોના વિકાસ સમયે ૩૦ દિવસના અંતરે પિયત આપવા.

માવજત

જરૂરત મુજબ નીંદણ નિયંત્રણ કરી ખામણાને ગોડ મારવો. છોડ એકાદ મીટર ઊંચાઈના થાય ત્યારે અગ્રભાગ કાપી પ્રુનિંગ કરવું. વધુ ઉમરવાળા ઝાડને એકાદ મીટરની ઊંચાઈએથી થડ કાપી પ્રુનિંગ કરવું.

પાક સંરક્ષણ

સામાન્ય રીતે સરગવામાં રોગ અને જીવાતનું પ્રમાણ નહિવત્ જોવા મળે છે. છતાં પણ આંતરપાક લઈએ ત્યારે ચૂસિયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ થાય છે ત્યારે ભલામણ કરેલ શોષક પ્રકારની દવાના જરૂરત મુજબ એક થી બે છંટકાવ કરવા જરૂરી છે.

વિણી

સરગવામાં સુઘારેલી જાતોમાં છ માસ બાદ શીંગો ઉતારવા લાયક બને છે. સરખી લંબાઈની તંદુરસ્ત, મધ્યમ જાડાઈવાળી શીંગોને અંકોડીની મદદથી ઝાડની ડાળી કે થડને નુકશાન ન થાય તેમ ઉતારી, ગ્રેડિંગ કરી યોગ્ય કદની જૂડીઓ બનાવી, કાપડ, કંપના કે પૂંઠાના બોક્ષમાં પેકિંગ કરી બજારમાં મોકલવાથી અર્થક્ષમ ભાવો મળી રહે છે. વિણી પાંચ થી સાત દિવસના અંતરે નિયમિત કરવાથી સારૂં ઉત્પાદન સારું મેળવી શકાય છે.

ગુજરાતના ઘણાં પ્રગતિશીલ ખેડૂતો ખેતરના શેઢે કે પાળે સરગવાના વૃક્ષો ઉછેરી પૂરક આવક મેળવી રહ્યા છે અને સરગવાની ખેતીથી આર્થિક રીતે સદ્ધર બન્યાં છે. તમે પણ સરગવાની ખેતી અપનાવો અને ખેતી દ્વારા વધારે આવક મેળવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here