નવો અભિગમ | કલકવા ગામે ખેતી સાથે વ્યવસાય કરી આર્થિક રીતે પગભર થતા ખેડૂતો

ડોલવણતાલુકાના એક યુવાને ખેતી સાથે સાથે મધમાખી ઉછેરનો વ્યવસાય અપનાવી યુવા ખેડૂત ઓછા સમયમાં ખેતી કરતાં મધમાંથી વધુ આવક મેળવી રહ્યો છે. તાપી જિલ્લાના એક માત્ર મધમાખી ઉછેર કરતાં ખેડૂતે મહિને લાખ રૂપિયાની આવક મેળવતા પંથકના ખેડૂતો માટે યુવાન પ્રેરણારૂપ બની ગયો હતો.

તાપીના ડોલવણ તાલુકાના કલકવા ગામે પરિવાર સાથે રહેતો 25 વર્ષીય યુવાખેડૂત હિતેશકુમાર ધીરુભાઈ પટેલ જે ધોરણ 12 સુધી અભ્યાસ કરી પોતાની 3 વીંઘા જમીનમાં ખેતી કરી જીવન ગુજરાન ચલાવે છે. ખેતીની આવકથી સંતોષ થતાં અન્ય વ્યવસાય કરવાનો પ્રયાસ કરતાં હિતેશ પટેલને મધમાખી ઉછેર બાબતે જાણકારી મેળવી હતી. એક વર્ષ અગાઉ નેશનલ બી બોર્ડનો સંપર્ક કરી વહેવલ ગામે 7 દિવસની પ્રેક્ટીકલ અને થીયરીકલ માહિતી મેળવી જરૂરી પ્રમાણપત્રો મેળવ્યા હતા. કલકવા ખાતે ત્રણ વીંઘામાં મધમાખી ઉછેર માટે 25 મધપેટી નાંખી વ્યવસાયનો આરંભ કર્યો હતો. જેના કારણે બે ત્રણ મહિનામાં મધપેટીમાં મધ બનવાનું શરૂ થઈ જતાં આવક ચાલુ થઈ ગઈ હતી. આજે એક વર્ષ બાદ હિતેશભાઈ પટેલ પાસે કલકવા ખાતે 30 અને રાજસ્થાન ખાતે 100થી વધુ મધપેટીઓનું કામકાજ થતાં સિઝન ઋતુમાં માસિક એક લાખ સુધી આવક ઊભી થવા લાગતાં નાનકડા વ્યવસાયથી પગભર બની રહ્યો છે. હિતેશ પટેલની પ્રેરણા લઈ અન્ય મિત્રો દ્વારા મધમાખી ઉછેર બાબતે માર્ગદર્શન તેમજ માહિતી મેળવી રહ્યા છે. હાલ રાજસ્થાન ખાતે હિતેશ પટેલ દ્વારા 100 જેટલી મધપેટી મિત્રો સાથ મુકી વ્યવસાય વધારી દીધો હતો.ખેતરોમાં એક સાથે બે આવક થતા ખેડૂતને આર્થિક ફાયદો થાય છે.

મધમાખીઓ મધુરજ એકઠું કરી દે છે

પેટીમાં મુકવામાં આવેલી મધમાખીઓ બાદમાં આજુબાજુના વિસ્તારમાં જઇ મધુરજ લઇ પેટીમાં  એકઠું કરતા 12 દિવસમાં મધ તૈયાર થાય છે.

ખેડૂતોને બમણો ફાયદો થાય
મધમાખીનો ઉછેરનો વ્યવસાય ખેડૂત દ્વારા ખેતરમાં કરતા ખેત ઉત્પાદનમાં ખેડૂતોનો બમણો ફાયદો કરી આપે છે. મધમાખી ખેતરમાં ઊભા પાકમાં પરાગનયનની પ્રક્રીયામાં ખુબ મોટો સહયોગ પુરો પાડે છે. જેના કારણે પાકનો ઉતાર વધુ આવે છે. આમ આ વ્યવસાયથી એક રીતે ખેડૂતોને આર્થિક રીતે ઘણી મદદ મળી રહે છે.

ખેતરોમાં લાકડાની પેટી મુકાઈ છે

મધમાખીના ઉછેર માટે સૌપ્રથમ લાકડાની મધપેટી લેવામાં આવે છે, જેને ખુલ્લા ખેતરમાં તેમજ શેઢાઓ પર મૂકવામાં આવે છે.

વિવિધ મધમાખીનો ઉછેર
મધમાખીની વિવિધ જાતો જેવી કે શેરીના ઈન્ડીકા, પુડા મધ, રોક બી (ભવર), ઈટાલીયન મધમાખીન ઉછેર મધપેટીઓમાં કરાય છે. મધુ મધ બનાવવાના 12 દિવસનો સમય લાગે છે. અને જ્યારે એક બોક્સમાં 3થી 5 કિલો મધ બને છે. મહિનામાં બે વખત મધમેળવી સ્થાનિક બજારોમાં ચોખ્ખુ મધના 1 કિલોનો 400 રૂપિયા સરળતાથી મેળવી શકાય છે.

માખીની સ્લાઈડની ગોઠવણી

ખેતરોમાં મુકાયેલી પેટીમાં મધ માટે માખીની સ્લાઇડ પેટીમાં ગોઠવવામાં આવે. દરેક પેટી અનુસાર આ સ્લાઈડ ગોઠવવામાં આવે છે.

એક બોક્સનો ખર્ચ 6 હજાર
મધુમાખીને મધ બનાવવા માટે મઘપેટી અંદાજિત 6 હજારના ખર્ચમાં તૈયાર થતી હોય છે. તેમજ બોક્સ લાકડાના હલકા હોવાથી એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી ખેસડી શકાય છે. આ બોક્સ માટે સ્પેશિયલ જગ્યા ફાળવવાની જરૂર રહેતી નથી. કોઈ પણ ખુલ્લી જગ્યામાં ઘરનાવાડામાં, ખેતરની વચ્ચે, શેઢા પર મુકી ઓછા ખર્ચે વધુ આવક મેળવી શકાય છે.

નિકાસયંત્રથી મધ કઢાઈ છે

એકઠા થયેલા મધને મધ નિકાસયંત્ર દ્વારા મધ બહાર કાઢવામાં આવે. ત્યાંરબાદ મધને પેકિંગ કરી વેચાણ માટે તૈયાર કરવામાં આવે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here