સામાન્ય રીતે ભેંસો ઠંડી ઋતુમાં અને ગાયો બારે માસ ઋતુકાળમાં આવતી હોય છે. ગરમીના તણાવથી પશુ ગરમીમાં કે ઋતુકાળમાં આવતું નથી. ગર્ભધારણ કરેલ પશુના ગર્ભનો વિકાસ નબળો રહે છે અને અતિશય ગરમીના કારણે પશુ તરવાઈ પણ જાય છે. ઉનાળામાં પેદા થતાં વાછરડાં / ઘેટાંના બચ્યાં ખૂબ જ નબળા હોય છે. તેમનું જન્મ સમયનું વજન પણ ઓછું હોય છે. ઉનાળામાં ભેંસોમાં જોવા મળતી પ્રજનનની નિષ્ક્રિયતા ખેડૂતોને મોટું નુકસાન કરે છે. પશુનું ગરમીમાં ન આવવું, મંદ કે શાંતલાળી બતાવવી , ગર્ભનું મૃત્યુ, નર પશુની જાતિય મંદતા તથા વીર્યની નબળી ગુણવત્તા વગેરે અસરો ગરમીના લીધે થાય છે જે ખેડૂતને આર્થિક નુકસાન પહોંચાડે છે. વાગોળતા પ્રાણીઅો ગરમીના દિવસોમાં ખોરાક લેવાનું પ્રમાણ ઘટાડે છે. શારીરિક વિકાસ રુંધાય છે. શરીરના વજનમાં ઘટાડો થાય છે. વાતાવરણનું તાપમાન વધતાં દૂધ ઉત્પાદન ઘટતું જાય છે અને ગરમી તથા ભેજવાળા વાતાવરણમાં પશુ વસૂકી પણ જાય છે. ગરમીના દિવસોમાં ઘરમાખી તથા ગમાણ માખીનું પ્રમાણ વધે છે. ઘેટાં બકરાં કૃમિજન્ય રોગોનું પ્રમાણ વધે છે તથા વાયરસજન્ય રોગો પણ વધુ જોવા મળે છે.

ગરમીની ઋતુમાં પશુઓની માવજત (Animal care in summer)

પશુની આસપાસનું વાતાવરણ ઠંડુ રહે તે માટે અત્રે દર્શાવેલ ઉપાયો હાથ ધરવા જોઈએ :

  1. યોગ્ય મકાન, પશુઓની પ્રમાણસર સંખ્યા, ઘાસકૂસની પથારી, દિવાલો વિનાના તબેલા તથા ઊંચી છતવાળા છાપરાં વધુ અનુકૂળ રહે છે.
  2. છાપરું લોખંડ કે સિમેન્ટના પતરાનું હોય તો ઉપરની સપાટીએ સફેદ ચળકતાં રંગથી રંગાવવું જોઈએ અને છાપરા નીચેની સપાટી ગાઢા કાળા રંગથી રંગાવવી જોઈએ તથા પાર્ટીશન કરવું જોઈએ . છાપરાની બહાર જાળીદાર રચના લગાવવી . છાપરાની ઊંચાઈ વધારવી , છાપરા ઉપર પૂળા , દાભ, નકામા ઘાસ કે નીંદામણને બિછાવવું જોઈએ.
  3. પશુ આવાસની આસપાસ પાણીનો છંટકાવ કરવો જોઈએ. છાપરાની ઉપર કે આવાસની નજીક પાણીના છટકાવ સાથે પંખાની વ્યવસ્થા કરવી જોઈએ.
  4. અતિશય ગરમીના દિવસો (મે, જૂન) માં પશુ શરીરને પલાળવાથી, નવડાવવાથી કે ફુવારામાં ઊંચા રાખવાથી ગરમીમાં રાહત આપી શકાય છે.
  5. પશુ આવાસની આસપાસ ઘટાદાર વૃક્ષો ઉછેરવા જોઈએ તથા ખુલ્લી જગ્યામાં ઘાસચારાનું વાવેતર, બગીચો કે લોન વાવવી જોઈએ.
  6. ઉનાળામાં ગરમીના કલાકોમાં નિરણ ઓછું અથવા ન કરવું જોઈએ પરંતુ સવારે, સાંજે કે રાત્રિ દરમ્યાન નિરણ કરવાથી ખોરાક લેવાનું પ્રમાણ વધારી શકાય છે. લીલા ચારાનું પ્રમાણ વધારવું જોઈએ. ૩ થી ૫ ટકા ચરબી ધરાવતું તથા ૧૨ ટકા પ્રોટીન ધરાવતું દાણ ખવડાવવું જોઈએ.
  7. ગરમીના દિવસોમાં તથા દુધાળા જાનવરોને અન્ય જાનવરો કરતા ૧ થી ૧.૫ લિટર વધુ પાણી આપવું જોઈએ.
  8. જો જાનવરને વધુ પ્રમાણમાં ગરમીની અસર જોવા મળે તો તરત જ પશુચિકિત્સકશ્રીનો સંપર્ક કરવો જોઈએ.
  9. ઉનાળાની અત્યંત ગરમીથી પશુઓને બચાવવા માટે તબેલાની જાળીદાર દિવાલ પર ભીનાં કતાન લટકાવી ગરમીમાં રાહત આપી શકાય.
  10. પ્રાણી આવાસમાં નિયમિત સફાઈ કરી સ્વચ્છતા જાળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ગોબર ગેસ કે કમ્પોસ્ટ ખાતર બનાવવાથી માખી- મરછરોનો ઉપદ્રવ દૂર કરી શકાય છે. સંકર ગાયોમાં ઈતરડીઓ દૂર કરવા દર ૧૫ દિવસે બાયટોક્સ દવાનો છટકાવ કરવો જોઈએ. નાના બચ્ચાંને કૃમિનાશક દવા પીવડાવવી જોઈએ.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here