દાડમની ખેતી રીતે કરવી (Pomegranate farming)

હવામાન અને જમીન

દાડમના પાકને શિયાળામાં ઠંડુ અને ગરમ ઉનાળુ અને સુકુ હવામાન માફક આવે છે. તેની સફળ ખેતી માટે ફળના વિકાસ દરમ્યાન તથા ફળ પાકે ત્યારે ગરમ અને સૂર્યપ્રકાશિત હવામાન હોવું આવશ્યક છે. ભેજવાળા હવામાનમાં ફળની ગુણવત્તા સારી રહેતી નથી. દાડમની ખેતી માટે ગોરાડું તેમજ કાંપવાળી જમીન માફક આવે છે. થોડા અંશે ક્ષારવાળી જમીનમાં પણ દાડમનો પાક ઉછેરી શકાય છે.

દાડમની વિવિધ જાતો

ગુજરાતમાં વ્યાપારીક ધોરણે ગણેશ અને ધોલકા જાતની ખેતી કરવામાં આવે છે. નવી વિકસાવેલ જાતો પૈકી સિંદુરી, અરાકતા, મૃદુલા અને ભગવા સાબરકાંઠાનાં કમ્પા વિસ્તારમાં ખુબ પ્રચલિત થવા પામેલ છે. આ સિવાય અન્ય જાતોમાં કંધારી, મસ્કતરેડ, જોધપુરરેડ વગેરેનો સમાવેશ થાય છે.

દાડમની રોપણી કેવી રીતે કરવી

જમીનને ખેડ કરીને સમતળ કર્યા બાદ ૪.૫ મીટર બાય ૩ મીટરના અંતરે ઉનાળા દરમિયાન ૧૦૦ સે.મી. બાય ૧૦૦ સે.મી. બાય ૧૦૦ સે.મી. ના ખાડા બનાવી ૧૫ દિવસ સુધી તપાવ્યા બાદ માટી સાથે ખાડા દીઠ ૧૦ કિલો છાણિયું ખાતર તથા ૧૦૦ ગ્રામ બી.એચ.સી. (૧૦ ટકા પાવડર) ભેળવીને તેના વડે ખાડા પૂરી દેવા. જુન-જુલાઇમાં દરેક ખાડા દીઠ એક કલમની રોપણી કરવી. રોપણી કર્યા બાદ વરસાદ ન હોય તો પાણી આપવું.

કેળવણી અને છાંટણી

દાડમના છોડ પર થડના નીચેના ભાગમાં ઘણી ડાળીઓ ફુટે છે. આ પૈકી (સિંગલ સ્ટેમ્પ) સુકા થડની ડાળી ૬૦ સે.મી. જેટલી વિકસવા દેવી. અને બાકીની ડાળીઓ કાપી નાંખવી જેથી મુખ્ય થડનો વિકાસ સારો થાય છે. મૂળમાંથી નીકળતા પીલા વખતો વખત કાઢી નાખવા કારણ કે આ પીલા ફળ બેસવામાં તથા વિકાસમાં નડતરરૂપ છે.

સંવર્ધન

દાડમનું સંવર્ધન બે રીતે થાય છે (1) બીજથી (2) કલમથી. કલમમાં કટકા કલમ, ગુટીકલમ તથા નુતન કલમ દ્વારા થઇ શકે છે. નુતન કલમ બનાવવા માટે દેશી દાડમ અથવા ધોલકા જાતના બી માંથી છોડ તૈયાર કરીને તેના ઉપર કલમ કરવામાં આવે છે. કલમો ધ્વારા વાવેતર કરવાથી માતૃછોડના ગુણ જળવાઇ રહે છે તથા ફળ વહેલા મળે છે. આથી રોપણી માટે કલમોનો જ ઉપયોગ કરવો જોઇએ.

 

સેન્દ્રિય અને રાસાયણિક ખાતરો

દાડમના પાક ઉપર સેન્દ્રિય અને રાસાયણિક ખાતરોની સારી અસરો જોવા મળે છે. બંને મુખ્ય અને ગૌણ પોષક તત્વો દાડમની વૃિદ્ધ અને ઉત્પાદનને અસર કરે છે. ઝાડની ઉંમર પ્રમાણે તત્વોની જરૂરિયાત બદલાતી રહે છે. તેથી તે પ્રમાણે ખાતરો – ઝાડ દીઠ આપવા.

દાડમના ફળને થતા નુકસાન અને ઉપાય

(1) પોપટ તેમજ ખિસકોલી : ખિસકોલી તેમજ પોપટ (હુડા) એ દાડમના ફળ ખાઇ જઇને અથવા તેમાં કાણાં પાડીને નુકશાન કરે છે. આવા નુકશાન પામેલા ફળોમાં સડો ન થતાં ફળ ખરી પડે છે. દાડમની ખેતી માટે તેવી જમીન પસંદ કરવી જોઇએ. જયાં નજીકમાં મોટા ઝાડ ન હોય.
નિયંત્રણ : ફળ નાના હોય ત્યારે જ કાગળની કોથળી ફળ ઉપર પહેરાવી દેવી જોઇએ. અથવા દાડમના સમગ્ર વિસ્તારમાં ઉપર નેટ (જાળી) પહેરાવી દેવી જોઇએ. જેથી નુકશાન ઘટાડી શકાય.

(2) દાડમમાં ફળનું ફાટી જવું : અનિયમિત અંતરે સિંચાઇ કરવાથી ફળો ફાટવાની શકયતાઓ વધારે છે. તેથી પાણીની ઉપલબ્ધતા મુજબ સિંચાઇનું અંતર સરખું રાખવું જોઇએ.

ફળ ઉતારવા : ફૂલ આવ્યા બાદ ૪ થી ૫ મહિને ફળ ઉતારવા યોગ્ય બને છે. ફળની છાલ થોડી પીળાશ પડતી થાય અને અંગુંઠા વડે ટકોરો મારવાથી ફળ ધાતુ જેવો રણકાર આપે ત્યારે ઉતારવા. દાડમના ઝાડનો વિકાસ ખૂબ જ ઝડપી હોય છે. અને બી અથવા કલમથી તૈયાર થયેલ છોડ દોઢથી બે વર્ષે ફળો આપતા થાય છે.
ઉત્પાદન : શરૂઆતના ત્રણ વર્ષ સુધી ૨૦ થી ૫૦ ફળો ઝાડ દીઠ મળે છે. પછી જેમ ઝાડનો વિકાસ થાય દર વર્ષે ફળોની સંખ્યા વધતી જાય છે. અને પુખ્તવયનું ઝાડ એટલે કે પાંચ છ વર્ષનું ઝાડ ૬૦ થી ૮૦ ફળ આપે છે.

પિયત વ્યવસ્થા

ગુજરાતમાં દાડમ હસ્ત બહારમાં લેવામાં આવે છે. તેથી દાડમના પાકમાં ઓકટોબર માસથી પાણી આપવું જોઇએ. પાણી આપવાનું અંતર શિયાળામાં ૧૦-૧૨ દિવસ રાખવું જોઇએ. અને પાણીનું અંતર નિયમિત રાખવું. પાણી અંતર નિયમિત નહી રાખવાથી ઝાડ ઉપર અસર થાય છે. ફળો ફાટવાની સમસ્યા ઉભી થાય તેમ છે. હસ્ત બહારનો પાક માર્ચ સુધી પૂરો થઇ જાય છે. ફળો ઉતરી ગયા પછી એપ્રિલ-મે-જુન માસમાં પાણી આપવું નહીં.

જો તમને અમારો આર્ટિકલ પસંદ આવ્યો હોઈ તો બીજા ને પણ શેર કરો. And Also Like us on our Facebook Page : ખેડૂત પૂત્ર – Khedut Putra

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here